(એજન્સી) નવી દિલ્હી, તા. ૧૯
સુપ્રીમકોર્ટમાં રજૂ કરેલી અરજીમાં સીબીઆઇના ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ (ડીઆઇજી) એમકે સિંહાએ એવો દાવો કર્યો છે કે સીબીઆઇના સ્પેશિયલ ડિરેક્ટર રાકેશ અસ્થાના સામેની તપાસમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (એનએસએ) અજીત ડોવાલે હસ્તક્ષેપ કર્યો હતો અને અસ્થાનાના નિવાસસ્થાને પાડવામાં આવેલા દરોડામાં પણ અજીત ડોવાલે દખલ કરીને અવરોધો ઉભા કર્યા હતા. રાકેશ અસ્થાના સામેની લાંચની તપાસનું સિંહાએ નિરીક્ષણ કર્યું હતું અને ઓક્ટોબરમાં સીબીઆઇ અધિકારીઓની સામૂહિક કરવામાં આવેલી ટ્રાન્સફરમાં એમકે સિંહાનો પણ સમાવેશ થાય છે. તેમણે એવો પણ આરોપ મુક્યો છે કે આ કેસમાં ડોવાલના નિકટના બે વચેટિયાઓ પણ સંડોવાયેલા છે. તેમણે એવો આરોપ મુક્યો છે કે આ કેસના ફરિયાદી અને બિઝનેસમેન સના સતિષ બાબુએ તેમને કહ્યું હતું કે રાજ્ય કક્ષના કેન્દ્રીય કોલસા અને ખાણ પ્રધાન હરીભાઇ પ્રતિભાઇ ચૌધરીને સીબીઆઇ સંબંધિત બાબતોમાં કથિત સહાય કરવા બદલ લાંચ રૂપે કરોડો રૂપિયાની ચુકવણી કરવામાં આવી હતી. હરીભાઇ ચૌધરી ગુજરાતના સાંસદ છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિકટના તરીકે જાણીતા છે.
એમકે સિંહાએ સુપ્રીમકોર્ટમાં રજૂ કરેલી અરજીમાં એવું પણ જણાવ્યું છે કે દેશની જાસૂસી એજન્સી ‘રો’ના અધિકારી સામંત ગોયલના કોલ રેકોર્ડ પણ છે. આ કોલ રેકોર્ડમાં તેઓ કહી રહ્યા છે કે વડાપ્રધાન કાર્યાલય (પીએમઓ)એ સીબીઆઇનો મુદ્દો મેનેજ કરી લીધો છે અને એ ેજ રાત્રે અસ્થાના સામેના કેસની તપાસ કરી રહેલી સીબીઆઇની સમગ્ર ટીમને તપાસમાંથી દૂર કરીને બધા અધિકારીઓની ટ્રાન્સફર કરી દેવામાં આવી હતી. સિંહાએ એવો પણ દાવો કર્યો છે કે મોઇન કુરેશી કેસમાં સના સતિષ બાબુએ સેન્ટ્રલ વિજિલન્સ કમીશનર કેવી ચૌધરી સાથે મુલાકાત કરી હતી અને કેન્દ્રીય કાયદા સચિવ સુરેશ ચંદ્રે ૧૧મી નવેમ્બરે આ મીટિંગ કરાવી હતી. સુરેશ ચંદ્રે ૧૧મી નવેમ્બરે સનાનો સંપર્ક કર્યો હર્તો. અરજીમાં સિંહાએ જણાવ્યું કે અસ્થાના કેસમાં ધરપકડ કરાયેલા વચેટિયા મનોજ પ્રસાદના જણાવ્યા મુજબ તેના પિતા દિનેશ્વર પ્રસાદ અને જોઇન્ટ સેક્રેટરીપદેથી રિયાર્ડ સોમેશના અજીત ડોવાલ સાથે સારા સંબંધો છે. સિંહાએ જણાવ્યું કે જ્યારે મનોજને સીબીઆઇના કાર્યાલયે તપાસ માટે લાવવામાં આવ્યો ત્યારે તે ખરાબ રીતે ખિજાયેલો અને સ્તબ્ધ હતો કે ડોવાલ સાથે તેના સારા સંબંધો હોવા છતાં સીબીઆઇ તેને કેવી રીતે ઉઠાવી શકે છે. અરજીમાં તેમણે એવો પણ દાવો કર્યો છે કે મનોજનો દાવો છે કે સોમેશ અને સામંત ગોયલે અજીત ડોવાલના અંગત અને મહત્વના કાર્યો કર્યા છે.