(સંવાદદાતા દ્વારા)                                                                                 ડીસા, તા.૬

પાલનપુરના જગાણાના યુવકને બે વર્ષ અગાઉ અકસ્માતમાં કમરથી નીચેના ભાગે લકવો થયો હતો. જેને પથારીવશ જ રહેવું પડશે તેવું તબીબે નિદાન કર્યું હતું. જો કે, આ યુવકે અડગ મન અને હિંમત દાખવી પથારીમાંથી ઊભો થયો છે. જેને હરવા-ફરવા માટે બનાસકાંઠા જિલ્લા કલેકટરે બેટરીથી સંચાલિત સાયકલ અપાવી છે.

જગાણા ગામે રહેતા અમૃતલાલ પંચાલનો પુત્ર અજીત બે વર્ષ અગાઉ બી.ઇ.ઇલેક્ટ્રીકલ એન્જિનિયરિંગ ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો તે સમયે મિત્રો સાથે અંબાજી દર્શન કરવા ગયો હતો. જ્યાં માર્ગમાં કારનું ટાયર ફાટવાથી અકસ્માત સર્જાયો હતો.જેમાં અજીતની કમરના નીચેનો ભાગ પેરાલિસીસ (લકવાગ્રસ્ત) થયો હતો. જેને પાલનપુરની ખાનગી હોસ્પિટલ તેમજ અમદાવાદની હોસ્પિટલમાં સારવાર આપવામાં  આવી હતી. જો કે, તબીબોએ તે પથારી માંથી ઊભો નહીં થઇ શકે તેવું નિદાન કર્યું હતું. આ અંગે અજીતે જણાવ્યું હતુ કે આગામી સમયમાં ગોળા ફેંક,વ્હીલચેર સહિતની રમતોમાં ભાગ લઇ લોકોમાં પ્રેરણા પૂરી પાડીશ.

કલેક્ટરે બેટરી સંચાલિત સાયકલ આપી

શરીરના કમરથી નીચેનો ભાગ લકવા ગ્રસ્ત થવાના કારણે હું ચાલી શકતો ન હતો તેમજ મારા પિતા બનાસડેરીમાં નોકરી કરે છે. ઘરની પરિસ્થિતિ મધ્યમ હોવાથી આ અંગેની જાણ કરતાં કલેક્ટર જેનું દેવનને મારી હિંમતને જોઇ પુરવઠા અધિકારી અનસુયાબેન જહાએ મને બેટરીવાળી સાયકલ અપાવી જેથી હંુ આજે મારૂં તમામ કામ જાતે કરી શકુ છુ : અજીત પંચાલ(યુવક)