(એજન્સી) મુંબઇ,તા.૨૪
મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે સરકાર સત્તામાં આવે તે પહેલા ગયા મહિને નાટ્યાત્મક દગો કર્યા બાદ એનસીપીના નેતા અજીત પવારને રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન બનાવવામાં આવનાર હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. એનસીપીના વડા શરદ પવારના ભત્રીજા અજીત પવારને ૩૦મી ડિસેમ્બરે શપથ લેવડાવવામાં આવે તેની સંભાવના છે. જોકે, આ વખતે અજીત પવાર શિવસેના-એનસીપી-કોંગ્રેસ સરકારનો એક ભાગ હશે. એનસીપીના અન્ય ભાવિ પ્રધાનોના નામોમાં દિલીપ વાલ્સે પાટિલ, આદિતી તત્કારે, રાજેન્દ્ર શીંગ્ને, રાજેશ તોપેઅને મનિક કોકાટેનો સમાવેશ થાય છે. મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા અશોક ચવાણ અને શિવસેનાના સુનિલ પ્રભુને પણ ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વવાળી મહારાષ્ટ્ર વિકાસ અઘાડી સરકારમાં સામેલ કરવામાં આવે તેની સંભાવના છે. બે ડઝન્સ ધારાસભ્યો પ્રધાન બનવાના હોવાનું પણ પ્રાપ્ત થયેલા અહેવાલોમાં જણાવવામાં આવ્યું છે. ૩૦મી ડિસેમ્બરે બપોરે એક વાગે ઉદ્ધવ કેબિનેટનું વિસ્તરણ કરવામાં આવશે. એક મહિના પહેલા વહેલી સવારે યોજવામાં આવેલા શપથ સમારંભમાં અજીત પવારે ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસ સાથે ભાજપ સરકારના નાયબ મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા હતા. અજીત પવારે એનસીપીમાં બળવો કર્યો હતો પરંતુ એનસીપીના વધુ ધારાસભ્યોને તેઓ પોતાની સાથે ભાજપ સરકારના સમર્થનમાં લાવી શક્યા ન હતા અને માત્ર ૮૦ કલાકમાં જ ફડણવીસ સરકારનો બીજો કાર્યકાળ પુરો થઇ ગયો હતો. ત્યાર પછી અજીત પવારે એનસીપીમાં પાછા ફર્યા હતા અને હવે તેઓ મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેના નાયબ તરીકે શપથ ગ્રહણ કરવાના છે. શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરે વચ્ચે સોમવારે સાંજે થયેલી ચર્ચામાં અજીત પવારને નાયબ મુખ્યપ્રધાન બનાવવાનું નક્કી કરવામાં આવ્યું હોવાનું ચર્ચાઇ રહ્યુંં છે.