(એજન્સી) નવી દિલ્હી, મુંબઇ,તા.૨
મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે કેબિનેટનું વિસ્તરણ થઇ ગયું છે પરંતુ મંત્રાલયોની ફાળવણી હજી બાકી છે. જોકે, એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે ગુરૂવારે સાંજ સુધીમાં મંત્રાલયોની ફાળવણી થવાની સંભાવના છે. એનસીપીના નેતા અજીત પવારને નાણા મંત્રાલય અને કોંગ્રેસના નેતા અને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અશોક ચવાણને જાહેર કામ વિભાગ (પીડબ્લ્યુડી) મળવાની સંભાવના છે. મહત્વના અન્ય ખાતાઓની ફાળવણી અંગે ચર્ચા ચાલુ છે અને ગૃહ મંત્રાલય માટે એનસીપીના નવાબ મલિક દાવેદાર હોવાનું જણાવવામાં આવ્યું છે. મહત્વનો સિંચાઇ વિભાગ જયંત પાટિલ અને જિતેન્દ્ર અવહદને હાઉસિંગ વિભાગ મળી શકે છે. બંને એનસીપીના નેતાઓ છે. કોંગ્રેસના નેતા બાલા સાહેબ થોરાટને મહેસૂલ વિભાગ મળી શકે છે. સોમવારે શપથ લીધેલા ૩૬ ધારાસભ્યોમાંથી ૧૦ કોંગ્રેસના છે. ૨૮મી નવેમ્બરે ઉદ્ધવ ઠાકરેએ અન્ય છ ધારાસભ્યો સાથે શપથ લીધા હતા. મહાવિકાસ અઘાડી ગઠબંધન કેબિનેટના પ્રથમ વિસ્તરણમાં સોમવારે શપથ લેનારાઓમાંં રાજ્યના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરેનો પણ સમાવેશ થાય છે.
દરમિયાન, મીડિયાના પ્રશ્નોના જવાબ આપતા એનસીપીના નેતા અને નાયબ મુખ્યપ્રધાન અજીત પવારે જણાવ્યું કે હું અગાઉ પણ કહી ચુક્યો છું કે બધા મુદ્દાઓ પર સ્થિતિ સ્પષ્ટ છે અને ગુરૂવાર સાંજ સુધીમાં ખાતાઓની ફાળવણી થવાની પુરેપુરી શક્યતા છે.