જામનગર તા.૨૨
જામનગરના સમર્પણ સર્કલ પાસે આવેલી દ્વારકાધીશ હોટલ પાન નામની દુકાને છ વર્ષ પહેલા હાજર બે દુકાનદારોએ ચા-પાન કરવા આવેલા નવ વ્યક્તિઓ પાસે પૈસા માગતા તે બાબત અને અગાઉની અદાવતના કારણે નવેય શખ્સોએ બન્ને દુકાનદારો પર હથિયારો સાથે હુમલો કરી તેઓની હત્યા નિપજાવી હતી. ડબલ મર્ડરના કેસમાં અદાલતે નવેનવ આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે. જામનગરના ઈતિહાસમાં હત્યા કેસમાં નવ આરોપીઓને સજા થઈ હોય તેવો પ્રથમ કિસ્સો નોંધાવા પામ્યો છે. અગાઉ કલ્યાણપુરના મર્ડરમાં સાત આરોપીઓને સજા થવા પામી હતી.
જામનગરના સમર્પણ હોસ્પિટલ નજીકના સર્કલ પાસે હોટલ ધરાવતા ઘેલુભાઈ અરજણભાઈ ભાટિયા અને જગદીશભાઈ જેસાભાઈ આંબલિયા નામના બે આહિર યુવાનો ગત તા.૩-૧-૨૦૧૨ના દિવસે પોતાની હોટલે હાજર હતા ત્યારે ત્યાં આવેલા ચંદ્રેશ મનસુખ ઉર્ફે ચંદુ ગોહિલ, જગદીશ મનસુખ ગોહિલ, અજયબાબુ ગોહિલ, અર્જુન કનૈયાલાલ ઉર્ફે રંગો, રસીક માધુભાઈ પરમાર, વિજય કાંતિ રાઠોડ, શ્રીચંદ ત્રિજન રાઠોડ તથા મુન્ના રાજા ઉર્ફે મનોજ સોલંકી અને વિનોદ રાજન રાઠોડ નામના નવ શખ્સોએ ચા-પાણી પીધા પછી પાન-મસાલા લીધા હતા.
ત્યાર પછી ઘેલુભાઈ અને જગદીશભાઈએ આ શખ્સો પાસે તેના પૈસા માગતા ઉપરોક્ત શખ્સો તલવાર, છરી, ગુપ્તી, પાઈપ અને ધોકા વડે તૂટી પડયા હતા. આ હુમલામાં ગંભીર ઈજા પામેલા ઘેલુભાઈનું સ્થળ પર જ મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે જગદીશભાઈને ગંભીર ઈજા થતા હાયર સેન્ટર ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેઓનું પણ મૃત્યુ થયું હતું.
આ બનાવની પોલીસમાં નેભાભાઈ ચેતરિયાએ ફરિયાદ નોંધાવી હતી.
બન્ને પક્ષોની દલીલો સાંભળ્યા પછી પાંચમા એડી. ન્યાયમૂર્તિ અશોક શર્માએ નવેનવ આરોપીઓને તકસીરવાન ઠરાવી તેઓને આજીવન કેદની સજા ફટકારી છે.