વેરાવળ,તા.૩
વેરાવળ નજીક આવેલ હીરણ નદીના પાણીમાં આજથી બે વર્ષ પહેલા ત્રણ સંતાનોને ડુબાડીને મોતને ઘાટ ઉતારનાર માતાને આજીવન કદની સજાનો ચુકાદો સેસન્સ કોર્ટ દ્વારા આપવામાં આવેલ છે.
પ્રભાસ પાટણ ખાતે રહેતી અશ્માબાનુ ઉર્ફે અશ્માખાતુ બસીર ઇબ્રાહીમ શેખ ચારેક માસથી રીસામણે માવતરે હોય અને પતિને કીધા વગર જતી રહેલ હોવાથી પોલીસમાં ગુમ થયેલ હોવાની અરજી થયેલ બાદમાં અશ્માબાનુના પતિ ઘરે આવતા સાચી હકીકતની ખબર પડેલ અને બે દિવસ પહેલા સમાધાન થઇ જતા ઘરે લઇ ગયેલ તેમાં બોલાચાલી થયેલ હતી અને તા.૧૮-૧૦-૨૦૧૬ ના હીરણ નદીના પાણીમાં અશ્માબાનુના ત્રણેય સગીર વયના સંતાનોમાં (૧) અશ્પાક (ઉ.વ.૭), (૨) શાબીર (ઉ.વ.૪) અને (૩) ઇનાયત (ઉ.વ.દોઢ) ત્રણેયને હીરણ નદીના પાણીમાં નાખી ડુબાડી દઇ મોતને ઘાટ ઉતારી દીધા હતા.
આ બનાવ અંગે મૃત્યુ પામેલ સંતાનોના પિતા બશીરભાઇ ઇબ્રાહીમ શેખએ પ્રભાસ પાટણ પોલીસમાં ફરિયાદ નોંધાવતા આઇ.પી.સી. કલમ ૩૦૨ મુજબ ગુનો નોંધ્યો હતો. આ કેસમાં સરકારી વકીલ આર.એસ.સોલંકીએ કેસને સાબીત કરવા ફરિયાદી તથા અન્ય સાહેદો તથા પંચ વિટનેસ મળી કુલ ૩૩ સાહેદોને બોલાવી જુબાનીઓ લીધેલ અને દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરેલ અને સેસન્સ જજ એ.ડી.મોગલની કોર્ટમાં આખર દલીલની સુનાવણી થયેલ જેમાં સગી જનેતા દ્વારા આ પ્રકારનું જઘન્ય કૃત્ય કરેલ હોય જે પોતાના ફુલ જેવા કોમળ બાળકોની હત્યા કરેલ જે પગલુ ધીકકારને પાત્ર હોવાની સરકારી વકીલ સોલંકીએ દલીલો કરી સાંયોગીક પુરાવાની દરેક કડીઓ જોડવામાં સફળ થતા આરોપી તકસીરવાન ઠરાવવા જોઇએ તેવી મુખ્ય દલીલો કરેલ આજે સરકારી વકીલ કે.પી.પંડયા એ પણ વધુમાં વધુ સજા કરવા દલીલો કરેલ જેને ધ્યાને લઇ સેસન્સ જજ એ.ડી.મોગલએ આરોપી અશ્માબાનુ ઉર્ફે અશ્માખાતુને સી.આર.પી.સી. કલમ ૨૩૫ (૨) મુજબ ઇ.પી.કો. કલમ ૩૦૨ના ગુના માટે તકસીરવાન ઠરાવી આજીવન કેદની સજા અને રૂા.બે હજાર દંડ અને દંડ ન ભરે તો વધુ ત્રણ માસની સજા ભોગવવાનો હુકમ કરેલ હોવાનું જણાવેલ છે અને સમાજમાં પતિ-પત્ની વચ્ચે થયેલા કલેશ, કજીયા કંકાસને પરીણામે બાળકોની હત્યા કરવા જેવા ગુના સુધી પહોંચી જનાર જનેતાને સેસન્સ કોર્ટ દ્વારા આજીવન કેદની સજા આપી બોધ આપેલ હોવાનું એક યાદીમાં જણાવેલ છે.