(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૨૫
૨૬મી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વને ધ્યાનમાં લઇ સુરત રેલવે સ્ટેશનના પરિસરમાં આજે ૧૦૦ ફૂટ ઊંચે રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવ્યો છે. જે આજથી હંમેશા માટે ફરકતો રહેશે. દેશના એ-૧ ગ્રેડ રેલવે સ્ટેશનો પૈકીના વેસ્ટર્ન રેલવેના સુરત રેલવે સ્ટેશન પરિસરમાં આજે સાંસદ દર્શના જરદોશના હસ્તે ૧૦૦ ફૂટ ઊંચાઈએ રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો.
રેલવે બોર્ડ દ્વારા ડિસેમ્બર-૨૦૧૮ સુધીમાં રાષ્ટ્રધ્વજ લહેરાવવા માટે જણાવવામાં આવ્યું હતું. જોકે, ડેડલાઈન ચૂકી ગયા બાદ હવે પ્રજાસત્તાક પર્વ પહેલા ૨૫મીએ રાષ્ટ્રધ્વજ લહેરાવી દેવા નિર્ણય કરાયો હતો. સુરત રેલવે સ્ટેશન ઉપરાંત દેશના ૭૫ એ-૧ ગ્રેડના સ્ટેશનો પર રાષ્ટ્રધ્વજ કાયમી ધોરણે ફરકતો રહેશે. પશ્ચિમ રેલવે મુંબઈ મંડળના બાંદ્રા ટર્મિનસ, મુંબઈ સેન્ટ્રલ અને સુરત રેલવે સ્ટેશન પર રાષ્ટ્રધ્વજ ફરકાવવાનું ફરમાન આપવામાં આવ્યું હતું. રાષ્ટ્રધ્વજના સન્માનના નિયમો પાળવવાને ધ્યાનમાં રાખીને આટલા મોટી ઊંચાઇ પર લહેરાવાયેલા રાષ્ટ્રધ્વજની સુરક્ષાને વધુ ચુસ્ત કરાશે. સુરત રેલવે સ્ટેશન પરિસરમાં રાષ્ટ્રધ્વજ લાગી જતા સુરક્ષાની જવાબદારી આરપીએફને સોંપવામાં આવી છે. આજના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને શાનથી લહેરાતા તિરંગાને સલામી પણ આપી હતી. આ મુદ્દે સુરત રેલવે સ્ટેશન પર મુસાફરો જણાવ્યું હતું કે, એક ભારતીય તરીકે આપણા માટે ગર્વની વાત છે પરંતુ સામા છેડે સુવિધાઓ પર પણ ધ્યાન આપવું જોઈએ. જોકે, કેટલાક મુસાફરોએ રાષ્ટ્રધ્વજ લહેરાવવાની વાતને સમર્થન આપતા જણાવ્યું હતું કે તિરંગોએ દેશની શાન છે.સુરત રેલવે સ્ટેશન પર ૧૦૦ ફૂટ ઊંચો રાષ્ટ્રધ્વજ લહેરાતો જોવો એ ગર્વની વાત છે.