(એજન્સી) અજમેર ,તા.૨૮
રાજસ્થાનના અજમેરમાં નવા નાગરિકતા કાયદા (સીએએ) અને નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝન્સ (એનઆરસી) સામેના વિરોધમાં શુક્રવારે એક મૌન રેલી કાઢવામાં આવી હતી. કેટલાક લોકો દ્વારા અજમેર દરગાહના આધ્યાત્મિક વડા દરગાહ દીવાન સૈયદ ઝૈનુલ આબેદીન અલી ખાનના પૂતળા બાળવામાં આવ્યા હતા. સૈયદ ઝૈનુલ આબેદીન અલી ખાને તાજેતરમાં જ કહ્યું હતું કે ભારતમાં રહેતા મુસ્લિમોએ નવા કાયદાથી ડરવાની કોઇ જરૂર નથી અને તેમણે આંદોલન કરી રહેલા પક્ષો સાથે ચર્ચા કરવામાં નહીં આવે ત્યાં સુધી નવો કાયદો લાગુ નહીં કરવાની સરકારને અપીલ પણ કરી હતી. અજમેરના એસપી કુંવર રાષ્ટ્રદીપે જણાવ્યું કે નવા કાયદા સામે કાઢવામાં આવેલી કૂચ શાંતિપૂર્ણ રહી હતી. મૌૈન કૂચ દરમિયાન કોઇ પણ અનિચ્છનીય ઘટના સર્જાઇ ન હતી. કાઢવામાં આવેલી મૌન કૂચ દરમિયાન કોઇ પણ પ્રકારના સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા ન હતા. તેમણે એવું પણ કહ્યું કે કેટલાક લોકો દ્વારા દરગાહ દીવાન અને દરગાહ સમિતિના ચેરમેનના પૂતળા બાળવામાં આવ્યા હતા. નવા કાયદાનો ભારતમાં રહેતા મુસ્લિમો સાથે કોઇ લેવા-દેવા નથી અને મુસ્લિમ સમુદાયે તેનાથી ડરવાની કોઇ જરૂર નહીં હોવાના દરગાહ દીવાને કરેલા નિવેદનથી લોકોમાં રોષ ફેલાયો છે. એક દેખાવકારે જણાવ્યું કે દરગાહ દીવાનનું આ નિવેદન તેમના સમુદાય સાથે વિશ્વાસઘાત અને દગો છે. રેલી પહેલા લોકો દ્વારા દરગાહ દીવાન અને દરગાહ સમિતિના ચેરમેન અમીન પઠાણના પૂતળા બાળવામાં આવ્યા હતા.