(એજન્સી) નવી દિલ્હી, તા. ૧૫
આજથી જીએસટીના ઘટાડેલા નવા દરો અમલી બની રહ્યાં છે તેની સાથે હોટલ-રેસ્ટોરન્ટમાં ભોજન લેવું સસ્તું થયું છે. લગભગ ૨૦૦ ચીજવસ્તુઓ પર જીએસટીના દરોમાં ઘટાડો થતાં તે સસ્તી બની રહી છે. સરકારે ૨૦૦ ચીજવસ્તુઓ પરના જીએસટી દરમાં ઘટાડો જાહેર કર્યો છે જેમાં ચોકલેટ, વેફર્સ, ફર્નિચર, કાંડા ઘડિયાળ, કટલરી આઈટમ, સ્યુટકેસ, સીરામિક ટાઈલ્સ,સીમેન્ટ સામગ્રીનો સમાવેશ થાય છે. જીએસટી અંગે સરકાર વતી હજુ પણ મંથનનો દોર ચાલી રહ્યો છે. ગત દિવસોમાં ગુવહાટીમાં જીએસટી પરીષદની બેઠકમાં ૧૭૮ ચીજવસ્તુઓને ટેક્ષ માળખામાં ફેરફાર કરવામા આવ્યો હતો. પહેલા આ ચીજવસ્તુઓ પર ૩૧ ટકા ટેક્ષ હતો પરંતુ તેમાં એક્સાઈઝ ડ્યુટીનો હિસ્સો દેખાડવામાં નહોતો આવ્યો ફક્ત વેટનો હિસ્સો દેખાડવામાં આવતો હતો. જીએસટી કાઉન્સિલની બેઠકમાં ધારણા પ્રમાણે જ ૧૭૭ વસ્તુઓ ઉપર ટેક્સ ૨૮ ટકાથી ઘટાડીને ૧૮ ટકા કરી દેવામાં આવ્યો છે. આ પહેલા જીએસટી પરીષદના સભ્ય અને બિહારના ઉપમુખ્યમંત્રી સુશીલ મોદીએ કહ્યું કે ટૂંક સમયમાં જીએસટીમાં મોટો ફેરફાર કરવામાં આવશે અને તેમાં ટેક્ષના ફક્ત બે માળખા રાખવામાં આવશે. સુશીલ મોદીએ કહ્યું કે જીએસટી ઘટાડા બાદ નાણાકીય વર્ષ ૨૦૧૮ માં સરકાર ખજાના પર ૨૦,૦૦૦ કરોડનો બોજો પડશે. સુશીલ મોદીએ એવું પણ કહ્યું કે દેશની અર્થવ્યવસ્થા ટેક્ષના બે માળખામા આવશે. જોકે તેમાં સમય લાગશે. ફક્ત સિંગાપુરમાં જ એક ટેક્ષ માળખું છે પરંતુ તે ખૂબ નાનો દેશ છે. તેમણે દાવો કર્યો કે જીએસટી અંતર્ગત આવનાર ચીજવસ્તુઓના ભાવ ઘટી રહ્યાં છે. આ મહત્વપૂર્ણ નિર્ણયથી જીવન જરૂરી ચીજવસ્તુઓની કિંમતોમાં ઉલ્લેખનીય ઘટાડો થયો સરકારના આ નિર્ણય બાદ હવે માત્ર ૫૦ વસ્તુઓ જ ૨૮ ટકાના ટેક્સ સ્લેબમાં રહી ગઈ છે. તેમણે કહ્યું હતું કે, જીએસટી પરિષદે ૨૮ ટકાના કર કરવેરામાં મોટાભાગની લકઝરી, બિનજરૂરી અને અહિતકર વસ્તુઓને જ રાખી છે. વધુ ઉપયોગવાળી ચીજવસ્તુઓને ૨૮ ટકાના સ્લેબમાં રાખવાનો વિરોધ કરવામાં આવી રહ્યો હતો. દરો નક્કી કરનાર ફિટમેન્ટ સમિતિએ ૨૮ ટકાના સ્લેબમાં આવનાર વસ્તુઓની સંખ્યાને ઘટાડીને ૬૨ કરવાની ભલામણ કરી હતી.