(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.ર૧
માહે ઝીલહજના ર૯માં ચાંદના રોજ ચાંદ નજર આવતા ઈસ્લામી નવું વર્ષ મહોર્રમ ૧૪૩૯નો આવતીકાલ તા.રર સપ્ટેમ્બરથી પ્રારંભ થશે એ મુજબ યવમે આશુરા તા.૧ ઓક્ટોબરને રવિવારના રોજ મનાવવામાં આવશે. ગુજરાત ચાંદ કમિટીના પ્રમુખ મુફ્તી શબ્બીર અહમદ સિદ્દીકીએ ગુજરાત ટુડેને જણાવ્યું હતું કે કચ્છ જિલ્લામાં ચાંદ દેખાયો હોવાની ગવાહી મળતા ચાંદ કમિટીએ જાહેરાત કરી હતી કે ૧ મહોર્રમ તા.રર સપ્ટેમ્બરને શુક્રવારના રોજ ગણાશે. ઈસ્લામી નવા વર્ષની શરૂઆત મહોર્રમથી થાય છે જે કુરબાનીનો મહિનો છે. આ માસમાં જ અલ્લાહના મહેબૂબ અને પ્યારા નબી (સલ્લલ્લાહુ અલયહે વસલ્લમ)ના પ્યારા નવાસા હઝરત ઈમામહુસેન (રદીઅલ્લાહુ ત્આલા અન્હુ) અને તેમના ૭ર જાંનિસાર સાથીઓએ કરબલાના ધગધગતા રણમાં શહાદત વ્હોરી હતી. જ્યારે ઈસ્લામી વિદાય લેતો મહિનો ઝીલહજ એ પણ કુરબાનીનો સંદેશો આપે છે. આ માસમાં અલ્લાહના પ્યારા નબી હઝરત ઈબ્રાહીમ અલયહિસ્સલામે તેમના પુત્ર હઝરત ઈસ્માઈલ અલયહિસ્સલામને અલ્લાહની રાહમાં કુરબાન કરવા તૈયારી દર્શાવી હતી. આમ ઈસ્લામ શરૂથી અંત સુધી કુરબાનીનો સંદેશો આપે છે.