(એજન્સી) વોશિંગ્ટન, તા.ર૬
અમેરિકાએ ગુરૂવારથી તેની તમામ ઉડ્ડયન સેવાઓમાં પ્રવાસ કરતાં મુસાફરો માટે સલામતીના નવા નિયમો બનાવ્યા છે જેમાં મુસાફરોની ચુસ્ત ચકાસણી અને લેપટોપ બાનનો સમાવેશ થાય છે. જે સરકારની જરૂરિયાતો મુજબ બનાવાયા છે. તેમ એરલાઈન્સે જણાવ્યું છે. એરલાઈન્સ સાથેની મુલાકાત બાદ રોઈટરે કહ્યું કે નવા પગલાંમાં સલામતી અંગે મુસાફરોની ટૂંકી પૂછપરછ પણ સામેલ છે. આ નવા નિયમોથી ગુરૂવારે ૩,રપ,૦૦૦ મુસાફરોને અસર પડશે. ર હજાર કોમર્શિયલ ફલાઈટથી ૧૮૦ એરલાઈન્સ દ્વારા ૧૦પ દેશોના ર૮૦ એરપોર્ટ પરથી રોજ ૩,રપ,૦૦૦ મુસાફરો અમેરિકા આવે છે. અમેરિકાએ અનિશ્ચિત સલામતીની ધમકીઓને કારણે મીડલ ઈસ્ટના ૮ દેશોના ૧૦ એરપોર્ટ પરથી મુસાફરી કરતાં મુસાફરોને માટે વિમાનમાં ઈલેકટ્રોનિકસ ચીજવસ્તુઓ લઈ જવા પર જૂનમાં પ્રતિબંધ મૂકવાની જાહેરાત કરી હતી. જે પ્રતિબંધો જુલાઈમાં ઉઠાવી લેવાયા હતા. પરંતુ ટ્રમ્પ તંત્રએ કહ્યું કે જો એરપોર્ટ અને એરલાઈન્સ દ્વારા સલામતીની વ્યવસ્થાને નહીં સુધારાય તો ફરીથી પ્રતિબંધો મૂકાશે. તે પગલાં માટે ૧ર૦ દિવસનો સમય અપાયો હતો. ગુરૂવારે છેલ્લો દિવસ હતો. એરલાઈન્સે જુલાઈ સુધીમાં ટ્રેસ ડીટેકશન ટેસ્ટીંગનો વિસ્તાર કરવાનો હતો. લુફથાનસા ગ્રુપે કહ્યું કે ગુરૂવારથી મુસાફરોને ગેટ પર કે ચેક-ઈન ખાતે ટૂંકી પૂછપરછ થશે. લુફથાનસાની સ્વીસ એરલાઈન્સના ઈકોનોમી કલાસના મુસાફરોને વિમાન ઉપડતાં ૯૦ મિનિટ પહેલાં આ વિધિમાંથી પસાર થવાનું રહેશે. કેથે પેસેફિક એરબેઝ લી.એ કહ્યું છે કે, તે અમેરિકાની સીધી વિમાની સેવાઓ માટેના મુસાફરોને ટૂંકા ઈન્ટરવ્યું માટે ૩ કલાક પહેલાં બોલાવશે. યુએસ ટ્રેડ ગ્રુપે કહ્યું કે આ બદલાવ એક સંકુચિત સલામતી પગલાં છે. પરંતુ નવા નિયમો અંગે એરલાઈન્સોને અનુકૂળતા અંગે બેઠકમાં છૂટ આપી તે માટે અમેરિકી અધિકારીઓની પ્રશંસા કરી હતી. એસોસિએશન ઓફ એશિયા પેસેફિક એરલાઈન્સના ડાયરેકટર જનરલ એન્ડુ હર્દમેને કહ્યું કે સલામતીના વૈશ્વિક નિયમોથી વધુ જાગૃતિ આવશે.