સુરત, વડોદરા, તા.૪
રાજ્યભરની આશાવર્કર બહેનોના પ્રશ્નોનું નિરાકરણ લાવવાની વારંવાર જાહેરાતો છતાં વહીવટીતંત્ર દ્વારા આ મામલે ઠોસ નિર્ણય ન લેવાતા આશાવર્કર બહેનો રણચંડી બની છે. જેને પગલે રાજ્યમાં અનેક સ્થળોએ આશાવર્કર બહેનોએ દેખાવો કર્યા હતા. ધોળકા, બાવળા, સાણંદ, નવસારી, વલસાડ, જામનગર, સુરત, વડોદરા, આણંદ, અંકલેશ્વર સહિતના સ્થળોએ આશાવર્કર બહેનોએ રેલી યોજી વિરોધ દર્શાવ્યો હતો. જ્યારે કેટલીક જગ્યાએ ઉપવાસ પર બેસેલી આશાવર્કર બહેનોની તબિયત લથડી હતી.
રાજ્યની આશાવર્કર બહેનોની જૂની પડતર માંગો સરકાર દ્વારા પૂર્ણ ન કરવામાં આવતા પ્રમુખ ચંદ્રીકા સોલંકીએ વડોદરા ખાતે આમરણાંત ઉપવાસ શરૂ કરતા રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી તેમજ ઉપવાસ શરૂ કર્યા છે. આજે સુરત શહેર જિલ્લાની આશાવર્કર બહેનો દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં હાજર રહીને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું. આશાવર્કર બહેનોની મુખ્ય માંગો મહિલા સશક્તિકરણના ભાગરૂપે લાંબા સમયથી ફરજ બજાવતી બેહનોને કાયમી કરીને સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ લઘુત્તમ વેતનનો લાભ આપો, બહેનોને જીવન વીમાની સુરક્ષા આપો, યોગ્ય સન્માન મળે તે માટે ઓળખકાર્ડ આપો, બહેનોના કામના કલાક નક્કી કરો, વધારાના સમય માટે વધારાનું ભથ્થુ આપો, મોંઘવારી ભથ્થુ આપો તેવી રજૂઆત કરવામાં આવી હતી. આશાવર્કર બહેનોની પ્રમુખ ચંદ્રીકાબેન સોલંકી દ્વારા વડોદરા ખાતે આમરણ ઉપવાસ શરૂ કરાયા છે. જો સરકાર આશાવર્કર બહેનોની માંગોને ધ્યાને નહીં લે તો જે પ્રમાણે ઘરે ઘરે જઈને પોલિયો પીવડાવે છે તે પ્રમાણે ઘરે-ઘરે જઈ વિધાનસભામાં સરકાર વિરોધી પ્રચાર કરીને સરકારને ઘરભેગી કરશે.
વડોદરામાં છેલ્લા કેટલાક દિવસથી આંદોલન ચલાવી રહેલી આશાવર્કર બહેનોએ આજે માનવ સાંકળ બનાવીને વિરોધ વ્યક્ત કર્યો હતો. તેમજ આશાવર્કર બહેનોએ આજે ભાજપના ધારાસભ્ય જીતેન્દ્ર સુખડિયાની ફતેગંજ ઓફિસ ખાતે પહોંચી જઈ દેખાવો કર્યા હતા.
આશાવર્કર બહેનો કલેક્ટર કચેરી ખાતે પોતાની માગણીઓ તેમજ પગારને લઈને છેલ્લા કેટલાય દિવસથી વિવિધ પ્રકારના દેખાવો યોજીને તંત્રનુ ધ્યાન ખેંચવા માટે પ્રયત્ન કરી રહી છે. આજે આશાવર્કર બહેનોએ રાવપુરા વિસ્તારમાં માનવ સાંકળ બનાવી હતી. તેમણે ચીમકી આપી હતી કે જો સરકાર માગણીઓ પૂરી નહીં કરે તો આશાવર્કર બહેનો મતદાનનો પણ બહિષ્કાર કરશે. ઉપવાસ પર બેઠેલ પાંચ જેટલી આશાવર્કર બહેનોની તબિયત લથડતા તેમને સારવાર અર્થે ખસેડી હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે આણંદ ખાતે ઉપવાસ પર બેસેલી કેટલીક આશાવર્કર બહેનોની તબિયત લથડી હતી. જો કે આશાવર્કર બહેનોનો જુસ્સો જોતા તેઓ તેમના પ્રશ્નો મામલે લડી લેવાના મૂડમાં છે. જ્યારે તા.પમીના રોજ અમદાવાદ ખાતે જિલ્લા કલેક્ટર કચેરી સામે ત્રણ હજાર જેટલી આશાવર્કર બહેનો ૧રથી પ સુધી પરમીશન મળે કે ન મળે ભૂખહડતાળ કરશે.
બધી રીતે અગ્રેસર ગુજરાત આંગણવાડી
બહેનોના પગારમાં કેમ પાછળ ???

(સંવાદદાતા દ્વારા) અંકલેશ્વર, તા.૪
ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનની પડતર જૂની આંગણવાડી બહેનોની માગણી સાથે આજે ઝઘડિયા મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું છે અને સરકાર સામે સવાલ કર્યો છે કે ગુજરાત રાજ્ય દેશમાં અગ્રેસર છે તો આંગણવાડી બહેનોના પગાર બાબતે કેમ પાછળ રહે છે. આવેદનપત્રમાં તેમણે જણાવ્યું હતું કે આંગણવાડી બહેનોએ હડતાળ કર્યા પછી સરકાર દ્વારા ફક્ત રૂા.૭પ૦/-નો વધારો આપવામાં આવ્યો છે. જે હાંસીને પાત્ર છે જે પગાર હજુ વધવો જોઈએ તથા ખાનગીકરણની પ્રક્રિયા બંધ થવી જોઈએ. લઘુત્તમ વેતનમાં વધારો કરવો, રીટાયર્ડ બહેનોને પેન્શન મળવું જોઈએ તેવી માંગણી કરી છે.