(એજન્સી) તા.૩૧
અગસ્તા વેસ્ટલેન્ડ સોદાને લઈને યૂપીએ સરકાર દરમિયાન રક્ષામંત્રી રહેલા એ કે એન્ટનીએ મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. સોમવારે એ કે એન્ટનીએ કહ્યું કે ભાજપ સરકાર ખોટું બોલી રહી છે, તેના માટે એજન્સીનો ઉપયોગ કરી રહી છે. આ સોદો હું રક્ષામંત્રી હતો ત્યારે થયો હતો. સોનિયા અને રાહુલ ગાંધીએ ક્યારેય પણ સંરક્ષણ સોદામાં હસ્તક્ષેપ નથી કર્યો. અગસ્તા જ સોદા માટે યોગ્ય કંપની હતી, જ્યારે તેમાં ભ્રષ્ટાચારનો મામલો આવ્યો હતો તો મેં સીબીઆઈ તપાસના આદેશ આપ્યા. એન્ટનીએ વધુમાં કહ્યું કે, અમે કોર્ટમાં કેસ જીત્યા. જેટલા પૈસા આપવામાં આવ્યા તેનાથી વધુ પરત લીધા. આ ઉપરાંત કોર્ટ દ્વારા અમે ત્રણ હેલિકોપ્ટર પણ જપ્ત કર્યા. અમે સોદાને રદ કરી અને કંપનીને બ્લેક લિસ્ટ કરી દીધી. મોદી સરકારે અગસ્તાને જ સોદામાં પાર્ટનર બનાવી લીધી. મોદી સરકારે તેની પર કોઈ કાર્યવાહી ન કરી, પરંતુ તેનો પક્ષ લીધો. સોનિયા અને રાહુલ ગાંધીનું નામ લઈને તેઓ માત્ર રાજકારણ કરી રહ્યા છે.
આ ઉપરાંત એન્ટનીએ કહ્યું કે, જ્યારે અમે ભ્રષ્ટાચારનો મામલો જાણવ માંગ્યો તો અમે કાર્યવાહી કરી. અમારો આ ટ્રેક રેકોર્ડ છે. રાફેલમાં ભ્રષ્ટાચારનો મામલો આવ્યો તો તેમણે શું કર્યું? જેપીસી ન બનાવવામાં આવી. જ્યારે અમારા સમયે આરોપ લાગતા હતા તો અમે તપાસ કરાવતા હતા, અમે સમજૂતી રદ કરી દીધી છે. આ લોકો ખોટું બોલી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસે રવિવારે કહ્યું હતું કે એનડીએ સરકારના કાર્યકાળમાં ઈડી ‘ઇમ્બેરિસિંગ ડિઝાસ્ટર’ બની ગઈ છે. આરોપ લગાવ્યો કે વડાપ્રધાન મોદી અને તેમની સરકાર જ અગસ્તા વેસ્ટલેન્ડની ‘હિતકારી’, ‘ઉપકારી’, ‘સહકારી’ છે. વિપક્ષી પાર્ટીએ કહ્યું છે કે ૨૦૧૯માં સત્તામાં આવતા જ હેલિકોપ્ટર બનાવનારી કંપની સાથે ‘સાંઠગાંઠ’ની તપાસ કરાવવા માટે પ્રતિબદ્ધ છે.