(એજન્સી) તા.૧૭
CAA સંશોધિત નાગરિકતા કાયદા પર એનડીએના બે દાયકા જૂના સહયોગી શિરોમણી અકાલી દળે મોટો ઝટકો આપ્યો છે. અકાલી દળની માંગ છે કે આ કાયદામાં મુસ્લિમોને પણ સામેલ કરવામાં આવે. એનડીએ સહયોગીનું માનવું છે કે ભારત એક ધર્મનિરપેક્ષ દેશ છે આવામાં મુસલમાનોનો બહિષ્કાર કરવો ‘યોગ્ય’ નથી. કાનૂન સંસદમાં પાસ થવા પર શિરોમણી અકાલી દળના મહાસચિવ અને પ્રવકતા દલજીતસિંહ ચીમાએ કહ્યું કે સંશોધિત નાગરિકતા કાનૂનમાં ધર્મના અધાર પર અત્યાચાર સહન કરનારા શરણાર્થીઓને જગા આપવામાં આવી છે પરંતુ અમને લાગે છે કે આના દાયરામાં મુસ્લિમોને પણ સામેલ કરવા જોઈએ. તેમણે કહ્યું કે હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી, અને ખ્રિસ્તી સમુદાયના લોકો જે પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી આવીને વરસોથી ભારતમાં રહ્યા છે તેઓને આ બિલ દ્વારા નાગરિકતા મળશે. તેઓને પણ તે બધા અધિકાર મળશે જેનાથી તે વંચિત છે પરંતુ બીજું પાસું એ છે કે મુસલમાનોને સામેલ કરવામાં આવ્યા નથી. ચીમાએ કહ્યું કે અમારી પાર્ટીનું આ મામલે વલણ એકદમ સ્પષ્ટ છે. મુસ્લિમોને પણ આ કાનૂન હેઠળ ફાયદો મળવો જોઈએ. કોઈના પણ વિરૂદ્ધ ધર્મના આધાર પર અન્યાય ન થવો જોઈએ. કેન્દ્ર સરકારે મુસ્લિમોને પણ આમાં સામેલ કરવા જોઈએ. બતાવી દઈએ કે નાગરિકતા કાનૂનનો વિરોધ કરી રહેલા વિપક્ષી દળોના નેતા મંગળવારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદથી મુલાકાત કરશે. વિપક્ષની માંગ છે કે મોદી સરકાર આ કાનૂનને પાછો લે. ત્યારે કાયદા વિરૂદ્ધ દેશ આખામાં પ્રદર્શન ચાલુ છે. દિલ્હીની જામિયા મિલિયા યુનિ.માં વિદ્યાર્થીઓ જોરદાર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. જામિયા મિલિયા જ નહીં દેશની અલગ-અલગ યુનિ.ના વિદ્યાર્થીઓ પણ આનો વિરોધ કરી રહ્યા છે. આ દરમ્યાન પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી આજે પણ સંશોધિત નાગરિકતા બિલ વિરૂદ્ધ દક્ષિણ કોલકાતાના ભવાનીપુરમાં યાદવપુર ૮માં બસ સ્ટેન્ડથી એક રેલી કાઢશે. મમતાએ સોમવારે કાનૂન વિરૂદ્ધ રેડ રોડથી લઈને રવિન્દ્રનાથ ટાગોરના પૈતૃક નિવાસ જોરાસંડો ઠાકુરવાડી સુધી વિશાળ રેલી કાઢી હતી.