(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા. ૨૫
દેશમાં મોબ લિન્ચીંગનાં બનાવોમાં ઉત્તરોત્તર થઇ રહેલા વધારાના લીધે ટોળાં દ્વારા કરાયેેલા હુમલાઓમાં નિર્દોષ લોકોને નિર્દયતાપૂર્વક મોતને ઘાટ ઉતારવામાં આવી રહ્યા છે. જેનો વિરોધ કરી વડોદરા શહેરનાં વિવિધ સંગઠનો અને નાગરીકોએ દેશનાં વડાપ્રધાનને વડોદરા જિલ્લા કલેકટર મારફત આવેદનપત્ર સુપ્રત કરી ટોળાશાહીના હુમલાઓ અને હત્યાઓ સામે સરકાર દ્વારા ઉચિત કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.
જિલ્લા કલેકટરને સુપ્રત કરેલા આવેદનપત્રમાં ફરીદ લાખાજીવાલા (મ્યુ.કોર્પોરેટર), ઝુબેર ગોપલાણી (મુસ્લિમ મજલીસે મુશાવિરત) અનવરઅલી ઇન્દોરી (જમાતે ઇસ્લામી હિંદ), શૌકત ઇન્દોરી (એપીસીઆર), મુનીર ખેરૂવાલા (મિલ્લી કાઉન્સીલ), સૈયદ અમીન (મુસ્લિમ સોશ્યલ ગ્રુપ), ઇમ્તિયાઝ શેખ (યુનાઇટેડ ફોરમ) તેમજ અગ્રણીઓ ઇકબાલખાન પઠાણ, જુનેદખાન, સાજીદઅલી સૈયદ, સમીર રાઠોડ, ઇબ્રાહીમ સાયકલવાલા, સાદીક કાજલવાલા વિગેરેએ જણાવ્યું છે કે, છેલ્લાં ચાર વર્ષો દરમ્યાન દેશમાં મોબ લીન્ચિંગ (ટોળા દ્વારા કરાતા હુમલાઓ અને હત્યાઓ)ના બનાવોમાં ઉત્તરોત્તર વધારો થયો છે. જેથી દેશના નાગરિકો અને ખાસ કરીને મુસ્લિમો, દલિતો તેમજ અન્ય કચડાયેલા વર્ગના લોકોમાં ભય, ત્રાસ અને અસલામતીની લાગણી ઉત્પન્ન થઇ છે અને જેનાં કારણે દેશના નાગરિકો માટે ચિંતાનો વિષય બની ગયો છે, જેમાં ખાસ કરીને ગાયોની તસ્કરી કે ગૌહત્યાની શંકાના કારણે, બાળકોની ઉઠાંતરી કરતાં હોવાની શંકાના કારણે, ઉચ્ચ જાતિના લોકો સામે ઘોડા ઉપર બેસવાના નજીવા કારણે હત્યાઓ કરવામાં આવે છે.
આ સિવાય પણ અનેક કારણો છે જેમાં ગેરકાયદે મંડળી કે ટોળા બનાવીને નિર્દોષ લોકોને નિર્દયતાપૂર્વક રહેંસી નાખવામાં આવે છે. આ સંદર્ભમાં સુપ્રીમ કોર્ટના આદેશ છતાં પણ આ બનાવો અટક્યા નથી અને તાજેતરમાં રાજસ્થાનનાં અલવરમાં જાનવરનો વેપાર કરતા અકબરખાનને ટોળાએ માર મારીને પોલીસને સુપ્રદ કર્યો, પરંતુ પોલીસે ઘાયલ અકબરને ત્રણ કલાકથી વધુ સમય સુધી સારવારથી વંચિત રાખીને હોસ્પીટલમાં મૃત અવસ્થામાં પહોંચાડ્યો.
મોબ લીન્ચિંગના બનાવો રોકવામાં કેન્દ્ર સરકાર તદ્દન નિષ્ફળ રહી છે. તેમજ આવા બનાવો રોકવાની ઇચ્છા શકિતનો સંપૂર્ણ અભાવ જોવા મળે છે. જે કેન્દ્ર સરકારના મંત્રીઓના નિવેદનો, આરોપીઓનું સન્માન કરવો તેમજ પાર્ટીના નેતાઓનાં બેફામ નિવેદન તેમજ આરોપીઓનાં બચાવમાં નિવેદનોથી ફલિત થાય છે, તેમજ આનાથી ટોળા શાહીને પીઠબળ તેમજ પ્રોત્સાહન મળી રહ્યું છે જે દેખાઇ આવે છે. તેથીજ આવી ઘટનાઓ લોકસભાની ચુંટણીઓ સુધી અવિરત ચાલતી રહેશે એવી ભાવનાઓ પ્રબળ બની રહી છે, બીજી બાજુ સમગ્ર જગતમાં દેશની છબી લીન્ચીસ્તાન તરીકે સ્થાપિત થઇ રહી છે, જેને અમે વખોડીએ છીએ.
દેશના બંધારણમાં દરેક નાગરીકને જીવન જીવવાનો અધિકાર મળેલ છે અને જેની સુરક્ષાની જવાબદારી રાજ્યની છે. પરંતુ રાજ્ય સરકારો નિષ્ફળ હોઇ વડાપ્રધાનને રાજધર્મ નિભાવવાનો અનુરોધ કરી આવેદનપત્રમાં માંગણી કરવામાં આવી હતી કે, ઉપરોકત ગંભીર બાબતો અંગે અમો આપની સમક્ષ માંગણી કરી રહ્યાં છીએ કે, દેશમાં બની રહેલ ટોળાશાહીનાં હુમલાઓ અને હત્યાઓને રોકવા સરકારે સક્રિયતા દાખવવી, ઉચિત કાર્યવાહી કરવી, તેજ યોગ્ય પગલાઓ લે, સુપ્રિમ કોર્ટે આપેલ નિર્દેશ મુજબ મોબ્લીન્ચિંગને અટકાવવા પગલા લે, સુપ્રિમ કોર્ટના નિર્દેશ મુજબ લીન્ચિંગ માટે કડક કાયદો ઘડવો. તેમજ મોબ્લીન્ચિંગના પીડિતોને ઉચ્ચ નાણાંકીય વળતર આપવાની જોગવાઇ કરવી, કુટુંબના સભ્યને સરકારી નોકરી આપવાનું પ્રાવધાન કરવા યોગ્ય પગલાં લેવાની માંગ કરવામાં આવી છે.