(સંવાદદાતા દ્વારા) અમદાવાદ, તા.૧૪
રાજ્યભરમાં આજે રંગબેરંગી પતંગો વચ્ચે આકાશીયુદ્ધ જામ્યું હતું. સવારથી જ સાનુકૂળ રીતે ફૂંકાતા પવનની પાંખ પર સવાર થઈ હજારો પતંગોએ આકાશમાં દુશ્મનોના પતંગોનો ભોય ભેગા કરવા પેચ લડાવ્યા હતા. જેમાં કુશળ ખેલૈયાઓ સૌથી વધુ પતંગોને ધૂળ ચાટતા કરવામાં સફળ રહ્યા હતા. આ તબક્કે એ કાટા…, એ કાટા…એ કાપ્યો છે…ની બૂમોથી આકાશ ગૂંજી ઉઠ્યો હતો. ઉત્તરાયણનો પર્વ આનંદ અને ઉલ્લાસથી ઉજવવા પતંગ રસિયાઓએ રવિવારથી જ તૈયારી કરી લીધી હતી. ઉત્તરાયણની આગલી રાત્રે પતંગ બજારોમાં ભારે ભીડ ઉમટી પડી હતી. પતંગ રસિકોએ તેમની હેસિયત મુજબ પતંગ દોરી, પીપુડી, સિટી, ગોગલ્સ, ટોપીઓ, ટોટી મ્હોરા સહિતની વસ્તુઓની ખરીદી કરી હતી તો ધાબાઓ ઉપર આગલી રાત્રીથી જ સ્પીકરો ગોઠવી દેવાયા હતા ક્યાંક હોટલ રેસ્ટોરન્ટમાં જમવાના ઓર્ડર અપાઈ ગયા હતા તો ક્યાંક ઘરે જ વિવિધ વાનગીઓ બનાવવા લોકો તૈયારીમાં લાગી ગયા હતા. અડધી રાત્રી સુધી તૈયારીમાં જ લોકોએ પસાર કરી હતી. આજે વ્હેલી સવારથી જ લોકો ધીમે-ધીમે ધાબા, અગાસી કે ખુલ્લા મેદાનમાં જઈ ચડ્યા હતા અને આકાશી યુદ્ધ ખેલવા તૈયારીઓ શરૂ કરી દીધી હતી. આજે સવારથી જ પવન પણ સાનુકૂળ હોવાથી પતંગ રસિકોને મોજ પડી ગઈ હતી અને જેમ-જેમ દિવસ પસાર થતો ગયો તેમ તેમ આખુ આકાશ રંગબેરંગી પતંગોથી ભરાઈ ગયું હતું. દિવસભર પતંગયુદ્ધ જામ્યું હતું. જેમાં એ ઢીલ છોડ…, એ કાટા…, એ પકડ…, એ પેચ લડાવ જેવી બુમો વચ્ચે સમગ્ર વાતાવરણ ગૂંજી ઉઠ્યું હતું. તેમાં જોરશોરથી સ્પીકર અને ડીજે પર વગાડતા ગીતોને લીધે ક્યાં શું વાગી રહ્યું છે ? એ સમજ જ પડતી ન હતી. એક સજીવ પ્રકારનો ઘોંઘાટ ચોતરફ કાનમાં વાગતો હતો, પરંતુ પતંગરસીકો તેમની ધૂનમાં જ મસ્ત હતા. સાંજ ઢળતા જ આકાશમાં પતંગો ચઢવાનું બંધ થયા હતા જ્યારે તુક્કલોએ કબજો જમાવ્યો હતો. પરિણામે આકાશમાં સળગતા દીવા તરતા હોય તેવું દૃશ્ય લાગતું હતું. આમ, સાનુકૂળ પવનને લીધે ત્રણ વર્ષ બાદ લોકોએ ઉત્તરાયણનો પર્વ મનભરીને માણ્યો હતો.