અમદાવાદ,તા.૨
શહેરના નાના ચિલોડા નજીક રૂબી ત્રણ રસ્તા પાસે ગઇકાલે મોડી રાત્રે એક લકઝરી બસ અને કાર વચ્ચે થયેલા અકસ્માતમાં કુબેરનગરમાં રહેતા વેપારીની પત્નીનું કરૂણ મોત નીપજ્યું હતું. જ્યારે ચાર વર્ષનાં બાળક સહિત ત્રણ લોકોને ઇજા થતાં તેઓને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માત એટલો જોરદાર હતો કે કારને ટક્કર માર્યા બાદ લકઝરી બસ ડિવાઇડર પર ચઢી ગઇ હતી. નરોડા પોલીસે આ સમગ્ર બનાવ અંગે જરૂરી ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. અકસ્માતના આ બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટીની લાગણી ફેલાઇ ગઇ હતી. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, શહેરના કુબેરનગર સી વોર્ડમાં યમનદાસ માખીજા ઉં.વ.પપ) તેમના પરિવાર સાથે રહે છે. તેઓ પી.ટી. બ્રધર્સના નામે કાલુપુરમાં દુકાન ધરાવી વેપાર ધંધો કરે છે. ગઇકાલે યમનદાસના સસરાની જન્મ તારીખ હોવાથી યમનદાસ તેમની પત્ની ટીકુબહેન (ઉં.વ.પ૪) પૌત્ર ચારો (ઉં.વ.૪), સાળી રેખાબહેન દીપકુમાર, બીજી સાળી સુરનબહેન દેવલાણી સાંજે ગાડી લઇ નાના ચિલોડા ખાતે રહેતા તેમના સાળા મનોજભાઇ કરમાણીના ઘરે જમવા ગયા હતા. ચિલોડા ખાતે જમ્યા બાદ તમામ લોકો ગાડીમાં ઘરે જવા નીકળ્યા હતા. દરમ્યાન નાના ચિલોડા-નરોડા રોડ પર રૂબી ત્રણ રસ્તા પાસે તેઓ પહોંચ્યા ત્યારે નરોડા રેલવે ક્રોસિંગ તરફથી રાજસ્થાન પાસિંગની એક લકઝરી બસ પૂરપાટ ઝડપે આવી હતી અને યમનદાસની ગાડીની ડાબી બાજુએ જોરદાર ટક્કર મારી હતી. ટક્કર વાગતાં ગાડી ફંગોળાઇ ગઇ હતી અને ડાબી બાજુનો ભાગ દબાઇ ગયો હતો. આગળ બેઠેલા યમનદાસનાં પત્ની ટીકુબહેન અને બંને સાળીઓને ગંભીર ઇજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. ચાર વર્ષના ચારોને પણ ઇજા થતાં સારવાર માટે હોસ્પિટલ લઇ જવાયો હતો. હોસ્પિટલમાં સારવાર દરમિયાન ટીકુબહેનનું મોત નીપજ્યું હતું. બનાવને પગલે સ્થાનિક લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે એકત્ર થઇ ગયા હતા અને ટ્રાફિક ચક્કાજામ થઇ ગયો હતો. મહિલાના મોત અને ચાર વર્ષના બાળકને ઇજાના સમાચાર જાણી સૌકોઇમાં ભારે અરેરાટી અને શોકની લાગણી ફેલાઇ ગઇ હતી. ઘટનાની જાણ થતાં નરોડા પોલીસ પણ ત્યાં દોડી આવી હતી અને ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.