(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૪
હરિયાણાના ફિરોઝપુર ઝીરકા જિલ્લાના કોલગાંવમાં રહેતા અકબરના પિતા સુલેમાન ખાને વલોપાત કરતા કહ્યું છે કે, તેના સાત બાળકોને પણ રહેંસી નાખો એમ પણ તેઓ ભૂખથી મરી જશે. પોસ્ટમોર્ટમ રિપોર્ટના ખુલાસામાં જણાવાયું છે કે, અકબરને બર્બરતાપૂર્વક માર મારતા તેની પાંસળીઓ તૂટી ગઇ હતી જેના કારણે તેના ફેફસામાં પાણી ભરાઇ ગયું હતું. ગાય અંગેના આરોપોમાં ભારતમાં કુલ ૩૪ મોત થયા છે જેમાં ૧૬ મોત તો છેલ્લા ૧૮ મહિનામાં જ થયા છે. એક અહેવાલ અનુસાર આ વર્ષમાં જ ગાય અંગેના નવ કેસમાં થયેલી હિંસામાં પાંચ લોકોના મોત થયા છે. વર્ષ ૨૦૧૭માં આવા ૩૪ કેસો થયા છે જેમાં ૧૧ લોકોના મોત થયા છે. આવા તમામ કેસોમાં ૧૦૦.૬૧ ટકા પીડિતો મુસ્લિમ છે. હજુ સુધી કોઇ જાણતું નથી કે અકબર સાથે કેવો વ્યવહાર કરાયો હશે. તેના પિતાએ કહ્યું કે, અકબર કોઇ તસ્કર નહોતો પણ દૂધ વેચનાર હતો જે ગાયો લઇને આવતો હતો. તેની હત્યાથી કોને ફાયદો થયો ? અકબરનો સૌથી નાનો પુત્ર બે વર્ષનો છે અને તે એક મહિના પહેલા જ ‘અબ્બા’ બોલતો થયો હતો. આનાથી અકબર ખુશ થયો હતો અને આગામી ઇદે તેને ઇદી આપવા વાયદો કર્યો હતો. અમે આગામી બકરી ઇદ માટે બકરા ખરીદવા નાણા એકઠા કર્યા હતા પરંતુ ગાયો સસ્તામાં મળતા અમે ગાયોનો સોદો કર્યો. અમે તેના પર ૬૦,૦૦૦ રૂપિયા ખર્ચ કર્યા હતા. તેણે મને કહ્યું હતુ કે, આપણી પાસે હવે ચાર ગાયો છે અને જીવન બદલાઇ જશે. તેની પત્નીએ કહ્યું કે, અકબરે મને હવે દૂધ વેચીને વધુ નાણા કમાવી નવા એયર રિંગ્સ લાવવા વાયદો કર્યો હતો. તેઓએ બે ગાયો બચાવવા મારા સાત બાળકોને અનાથ બનાવી દીધા.

૧૨ ઇજાના નિશાન, ઘણા બધા ફ્રેકચર : અલવર પીડિતનું ગંભીર ઇજાઓને કારણે આઘાતજનક મોત થયું હોવાનો પોસ્ટમોર્ટમમાં ખુલાસો

(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૪
અલવરમાં ટોળા દ્વારા રહેંસી નાખ્યા બાદ મોતને ભેટેલા અકબરના પોસ્ટમોર્ટમમાં ગંભીર ઇજાઓને કારણે આઘાતજનક મોત થયું હોવાનો ખુલાસો થયો છે. રિપોર્ટમાં સામે આવ્યું છે કે, ખાનને ૧૨ ઇજાઓ થઇ અને શરીરના કેટલાક ભાગોમાં ફ્રેક્ચર તથા પાંસળી તૂટી ગઇ હતી. પોસ્ટમોર્ટમ રિપોર્ટ પુરાવો આપે છે કે, રાજસ્થાનના અલવરમાં તે રાતે કેવો ખુની ખેલ ખેલાયો હશે. તપાસ અધિકારીએ પોતાની ભૂલ કબૂલ્યા બાદ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યો છે. એક વીડિયોમાં સબ ઇન્સપેક્ટર મોહનસિંહ કહે છે કે, મારાથી ભૂલ થઇ ગઇ, હવે સજા આપવી હોય તો આપી દો. અલવરની ઘટનાના પડઘાં મંગળવારે રાજ્યસભામાં પણ પડ્યા હતા. તૃણમુલના શાંતના છેત્રીએ મુદ્દો ઉઠાવતા કહ્યું કે, મોદી સરકાર જ્યારથી સત્તામાં આવી છે ત્યારથી લિન્ચિંગની ઘટનાઓમાં ૮૮ લોકોના મોત થયા છે. સુપ્રીમ કોર્ટના આકરા વલણ છતાં સરકારે કોઇ પગલાં લીધા નથી. તેમણે આ મુદ્દો ઉઠાવતા વિપક્ષના ઘણા સભ્યોએ પણ હાથ ઊંચો કરી સમર્થન આપ્યું હતું. આ અંગે અધ્યક્ષ વેંકૈયા નાયડુએ આશા વ્યક્ત કરી હતી કે, સરકાર પગલાં લેશે.

શું અકબર મોતને ભેટ્યો તે પહેલા પોલીસે પણ તેને માર્યો હતો ?

શુક્રવારની રાતે અલવરમાં ગાયની તસ્કરીની શંકામાં ટોળા દ્વારા ૨૮ વર્ષના અકબર ખાનની ઘાતકી રીતે માર મારી હત્યા કરી દેવાઇ હતી જોકે, અહેવાલો અનુસાર ટોળાના માર બાદ પણ અકબર જીવિત હતો પણ પોલીસે તેને હોસ્પિટલ લઇ જતા પહેલા ૩ કલાક ૪૫ મિનિટ સુધી રઝળાવ્યો હતો. તેનાથી પણ આઘાતજનક ખુલાસો થયો છે જેમાં નજરે જોનારા સાક્ષીએ દાવો કર્યો છે કે, ઇજાગ્રસ્ત વ્યક્તિને માર મારતી પોલીસને તેણે જોઇ છે. ખાનને પહેલા હોસ્પિટલ લઇ જવાને બદલે પોલીસ ગાયોની વ્યવસ્થા કરવામાં વ્યસ્ત હતી ત્યારબાદ તેઓ ચા-નાસ્તો કરવા પણ રોકાયા હતા. ફરિયાદ અનુસાર પોલીસને ઘટનાની જાણ ૧૨.૪૧ વાગે થઇ અને તે રાતે ૧.૨૦ વાગે ઘટનાસ્થળે પહોંચી ગઇ. વીએચપીના સભ્ય નવલકિશોરે પોલીસને ફોન કરી માહિતી આપી હતી જે બાદમાં પોલીસની મદદમાં આવ્યો હતો. પોલીસે તેને વેનમાં નાખતા પહેલા નવડાવ્યો હતો કારણ કે તે કાદવમાં લથબથ થઇ ગયો હતો. તેઓ પહેલા નવલકિશોરને ઘરે રોકાયા, જ્યાંથી તેઓએ ગાયોને ગૌશાળા મોકલવાની વ્યવસ્થા કરી. તેની એક સંબંધી માયાએ કહ્યું કે, પોલીસકર્મીઓ વેનમાં એક વ્યક્તિને મારી રહ્યા હતા અને ગાળો બોલતા હતા. તે વ્યક્તિ હજુ જીવિત હતી. જો આ મહત્વના ચાર કલાક ન વેડફાયા હોત તો અકબરખાન બચી ગયો હોત.

લીધેલા પગલાં પર પ્રહાર કરતાં કેરળના નાણામંત્રીએ
કહ્યું, ‘‘દોષિતોનું સન્માન કરનાર મંત્રીઓનું શું ?’’

(એજન્સી) તા.ર૪
દેશમાં ટોળા દ્વારા થતી હત્યા અને હિંસાની ઘટનાઓ બંધ કરવા માટે સમિતિનું ગઠન કરવાના કેન્દ્ર સરકારના નિર્ણય પર પ્રહાર કરતાં કેરળના નાણામંત્રી આઈઝેક થોમસે સોમવારે કહ્યું હતું કે, આ પ્રકારની ઘટનામાં સંડોવાયેલા લોકોનું સન્માન કરનાર મંત્રીઓ વિરૂદ્ધ કયા પ્રકારના પગલાં લેવામાં આવ્યા છે ? આઈઝેકનું આ નિવેદન કેન્દ્રીય મંત્રી જયંત સિંહાના સંદર્ભમાં છે જેમણે રામગઢ હત્યા કેસમાં જામીન પર છૂટેલા આઠ દોષિતોનું સન્માન કર્યું હતું. ગયા અઠવાડિયે સુપ્રીમકોર્ટે પણ આ પ્રકારની ઘટનાઓ વિરૂદ્ધ કાયદો ઘડવા માટે કેન્દ્ર સરકારને નિર્દેશ આપ્યો હતો.