અમદાવાદ,તા.૩
તાજેતરમાં હરિયાણાના કુડગામ ખાતે ગૌરક્ષાના નામે ભીડ દ્વારા અકબરખાનની ઘાતકી હત્યા કરાઈ હતી. જયારે તેની સાથેના અસલમ નામના શખ્સને ઈજા થઈ હતી. ત્યારે જમીઅતે ઉલમાએ અહમદાબાદ (મૌલાના અરશદ મદની)ના એક પ્રતિનિધિ મંડળે હરિયાણામાં અકબરખાનના ઘરે જઈને તેમના બાળકો અને ગામના અન્ય પીડિતોની મુલાકાત લઈ સાંત્વના પાઠવી હતી. તેમજ મર્હૂમ અકબરખાનની વિધવાના નામે રૂા.એક લાખ તેમજ બનાવના સ્થળે હાજર અને બચી ગયેલા અસલમને રૂા.૧૦ હજારનો ચેક એનાયત કરવામાં આવ્યો હતો. તદઉપરાંત પીડિતોને જરૂર પડે ત્યારે સંભવિત મદદ કરવાની ખાતરી પણ જમીઅતે ઉલમાએ અહમદઆબાદના પ્રતિનિધિ મંડળે આપી હતી. હરિયાણા ગયેલા પ્રતિનિધિ મંડળમાં મુફતી અબ્દુલ કૈયુમ, અબ્દુલ લતીફભાઈ શેખ, મૌ.સલમાન, મૌ. એઝાઝ જમાલપુર ઓર મૌ.નિઝામુદ્દીન જુહાપુરા તેમજ સ્થાનિક આગેવાનોમાં હાફિઝ મઆઝ અને જમીઅતે ઉલમા હરિયાણા, પંજાબ, ચંદીગઢ અને હિમાચલના પ્રમુખ મોહતરમ હઝરત મૌલાના ખાલિદ (મોહતમિમ જામિઅહ અરબિય્યહ કાસિમુલ ઉલુમ નિયાઝીયહ, નૂર જિ. મેવાત), હાજી રમઝાન (મજાઝ હઝ. શૈખુલ ઈસ્લામ મૌલાના હુસેન અહમદ મદની રહ., મોહતમિમ જામિઅહ ઈસ્લામીય્યાહ ફૈઝાનુલ ઉલૂમ નૂહ), મૌલાના અરશદ સાલેડી, મૌલાના નસીમ, હાઝિરખાન હાજર રહ્યા હતા એમ એક યાદીમાં મુફતી અબ્દુલ કૈયુમ મનસુરીએ જણાવ્યું છે.