(એજન્સી) તા.૧૦
સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે સોમવારે કહ્યું હતું કે, વિપક્ષોએ જે દિવસે બંધનું એલાન આપ્યું છે તે દિવસે પેટ્રોલિયમ પેદાશોના ભાવોમાં થયેલો વધારો સરકારની સામાન્ય લોકો પ્રત્યેની “અસંવેદનશીલતા” દર્શાવે છે. તેમણે દાવો કર્યો હતો કે ચીનથી આયાત વધારવા માટે નોટબંધી અને જીએસટી લાગુ કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે સોમવારે પેટ્રોલના ભાવમાં ર૩ પૈસા/લિટર અને ડીઝલના ભાવમાં રર પૈસા/લિટરનો વધારો થયો હતો. યાદવે કહ્યું હતું કે, “જ્યારે વિપક્ષો વિરોધ કરી રહ્યા છે ત્યારે આજે સવારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરીથી વધારો થયો છે. આ વધારો સામાન્ય માણસ પ્રત્યે સરકારની બેશરમી, ઘમંડ અને સંવેદનશીલતા દર્શાવે છે.” તેમણે કહ્યું હતું કે, “ભાજપને લાગે છે કે ભાવવધારાની ચિંતા કરવી જરૂરી નથી. તેઓ આમ પણ કહે છે કે ભાવવધારો લોકોની ખુશી દર્શાવે છે. તેમના મુજબ જેટલા ભાવો વધશે લોકો તેટલા ખુશ થશે.”