(એજન્સી) લખનઉ, તા. ૧૮
સમાજવાદી પક્ષ (સપા)ના પ્રમુખ અખિલેશ યાદવે જણાવ્યું કે જો સપાને પીછેહઠ કરવી પડે તો પણ ૨૦૧૯માં યોજાનારી લોકસભાની ચૂંટણીઓ માટે સપા ભાજપ વિરોધી ગઠબંધનમાં જોડાશે. કોઇ પણ ગઠબંધનમાં જોડાવા માટે બહુજન સમાજ પક્ષ (બસપા)ના સુપ્રીમો માયાવતીએ ૧૬મી સપ્ટેમ્બરે જણાવ્યું હતું કે તેમના પક્ષને સન્માનજનક બેઠક મળશે તો જ તેઓ ગઠબંધનમાં સામેલ થશે. માયાવતીની આ ટિપ્પણી વિશે પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં અખિલેશ યાદવે ઉપર મુજબ જણાવ્યું હતું. સમાજવાદી પક્ષના હેડક્વાર્ટર ખાતે વિશ્વકર્મા જયંતી કાર્યક્રમ યોજાયા બાદ અખિલેશે પત્રકારોને જણાવ્યું કે આપણે ભાજપને બહારનું બારણું બતાવવું પડશે.. ભાજપને સત્તાથી દૂર કરવા માટે સપાને બે ડગલા પીછેહઠ કરવી પડશે તો પણ તેમનો પક્ષ ગઠબંધન કરશે. તેમણે એવું પણ કહ્યું કે દેશના લોકો પરિવર્તન ઇચ્છે છે. ભાજપે દેશ સાથે દગો કર્યો હોવાથી ભાજપ ખરેખર ચિંતિત છે. ખાસ કરીને આર્થિક મોરચાએ જીએસટી અને નોટબંધીના નામે ભાજપે લોકોને હાનિ પહોંચાડી છે અને સામાજિક માળખાનું નુકસાન કર્યુ છે. દરમિયાન, માયાવતીએ પોતાના નિવાસસ્થાને યોજવામાં આવેલી એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે બસપા ભાજપ વિરોધી ગઠબંધનની વિરૂદ્ધમાં નથી પરંતુ અમારૂં વલણ બિલકુલ સ્પષ્ટ છે. જો અમને સન્માનજનક બેઠક મળશે તો જ અમે એ રાજકીય પક્ષ સાથે જોડાણ કરીશું. નહિંતર અમારો પક્ષ એકલા હાથે ચૂંટણી લડશે.