જમ્મુ-કાશ્મીરમાં ઝડપથી બદલાઈ રહેલા રાજકીય સમીકરણને પગલે પીડીપી અધ્યક્ષા મહેબૂબા મુફ્તી દ્વારા સરકાર રચવાનો દાવો કર્યાના થોડાકા જ સમય બાદ જમ્મુ-કાશ્મીર રાજ્યપાલ સત્યપાલ મલિકે બુધવારે રાજ્ય વિધાનસભા ભંગ કરતા જ રાજકીય વર્તુળોમાં ચર્ચાઓએ જોર પકડ્યું છે અનેક દિગ્ગજ નેતાઓએ કેન્દ્ર સરકાર પર હુમલો કરતા તીવ્ર પ્રતિક્રિયા આપવાનું શરૂ કર્યું છે. ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટી (સપા)ના અધ્યક્ષ અખિલેશ યાદવે ટ્‌વીટ કરી વિધાનસભા ભંગ કરવાના રાજ્યપાલના નિર્ણયને બિન લોકશાહી ગણાવ્યો હતોે. તેમણે નામનો ઉલ્લેખ કર્યા વિના સીધો જ ભારતીય જનતા પાર્ટી (BJP) અને કેન્દ્રની મોદી સરકાર પર હુમલો કરતા લખ્યું કે, આજે કાશ્મીરથી માંડીને કેરળ સુધી દરેક જગ્યા લોકશાહી જોખમમાં છે આવી સ્થિતિમાં દેશના તમામ બુદ્ધિજીવીઓએ એકજૂથ થઈ દેશને બચાવવાની જરૂર છે તેમણે લખ્યું કે જો બુદ્ધિજીવીઓ એક જૂથ નહીં થાય તો જનતંત્ર અને જનમતનું ગળું દાબી દેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે વિધાનસભા ભંગ કરવાની કાર્યવાહીના થોડાક જ સમય પહેલા જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને PDP અધ્યક્ષા મહેબૂબા મુફ્તીએ કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સના સમર્થનથી જમ્મુ-કાશ્મીરમાં સરકાર રચવા દાવો રજૂ કર્યો હતો.