(એજન્સી) લખનઉ, તા. ૮
ભાગલાવાદી રાજકારણમાં સંડોવણીનો ભાજપ સામે ફરી એક વાર આરોપ મુકતા ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને સમાજવાદી પક્ષના વડા અખિલેશ યાદવે જણાવ્યું કે બુલંદશહરની હિંસા કેસરિયા પક્ષની ખતરનાક નીતિઓનું એક પરિણામ છે. ફિરોઝાબાદ જિલ્લાના નાગલા ચૌરય્યા ગામમાં એક રેલીને સંબોધતા અખિલેશે જણાવ્યું કે બુલંદશહરમાં સર્જાયેલી ઘટના ઉત્તર પ્રદેશની સરકાર દ્વારા અપનાવવામાં આવેલી ‘ઠોકો નીતિ’નું પરિણામ છે. તેમણે એવું પણ કહ્યું કે ભાજપ જાણે છે કે તેનો બેઝ કે આધાર ઘટી રહ્યો છે અને તેથી જ ભાજપે કોમવાદી રાજકારણ શરૂ કરી દીધું છે. ૨૦૧૯માં યોજાનારી લોકસભાની ચૂંટણીઓ મહત્વની છે અને પ્રત્યેકે ભાજપની ભાગલાવાદી નીતિઓ સામે એલર્ટ રહેવું પડશે. તેમણે કહ્યું કે વર્તમાન યોગી આદિત્યનાથ સરકારે રાજ્યના સુધારણા અને પ્રગતિ માટે કશું જ કર્યું નથી. અખિલેશે યુપીમાં તેમના શાસનકાળ દરમિયાન મુલાયમસિંહ યાદવ દ્વારા કરવામાં આવેલા કાર્યો ગણાવ્યા હતા અને જણાવ્યું કે નેતાજીએ આપણા સશસ્ત્ર દળો માટે ઘણુ બધું કર્યું છે. જ્યારે મુલાયમસિંહ યાદવે જણાવ્યું કે ભાજપ જેવા કોમવાદી બળોને રોકવાની સમાજવાદી પાર્ટીમાં ક્ષમતા છે. તેમણે પક્ષના નેતાઓને ગ્રામીણ વિસ્તારોમાં વધુ ધ્યાન આપવાની હાકલ કરી છે અને એવો દાવો પણ કર્યો કે જો ઉત્તર પ્રદેશમાં સપાની સરકાર ફરી આવશે તો યુવાઓ માટે નોકરીઓની પુરતી તકો હશે.