(એજન્સી) તા.૨૭
મધ્યપ્રદેશમાં તાજેતરમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો આવ્યા બાદ સપાએ કોંગ્રેસને ટેકો આપ્યો પરંતુ સપાના એકમાત્ર ધારાસભ્યને મંત્રી પદ ન અપાતા સપા નારાજ દેખાઈ હતી. સપાના અધ્યક્ષ અખિલેશ યાદવે પત્રકાર પરિષદને સંબોધતાં કહ્યું હતું કે ભાજપ બાદ કોંગ્રેસે પણ અમને ચેતવી દીધી. તેમનો આભાર. તેમણે આ દરમિયાન ત્રીજા મોર્ચાની રચના કરવાના સંકેત આપ્યા હતા. તેના માટે તેમણે ચંદ્રશેખર રાવને મળવાના સંકેત પણ આપ્યા હતા. જોકે આ દરમિયાન કોંગ્રેસે તેમની ટિપ્પણીનો જવાબ આપતાં કહ્યું હતું કે અમારી વચ્ચે જે પણ મતભેદો થયા છે અમે તેને દૂર કરવાનો પ્રયાસ કરીશું. આ ટિપ્પણી કોંગ્રેસ નેતા રાજબબ્બરે કરી હતી.
૧. અખિલેશ યાદવે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે મધ્યપ્રદેશમાં અમારા ધારાસભ્યને મંત્રી પદ ન આપવા બદલ અમે કોંગ્રેસનો પણ આભાર માનીએ છીએ. તેમણે કહ્યું હતું કે કોંગ્રેસે હવે અમારો રસ્તો સાફ કરી દીધો છે.
૨. યુપી કોંગ્રેસના નેતા રાજ બબ્બરે કહ્યું હતું કે સપા અધ્યક્ષના નિવેદનમાં નારાજગી દેખાઈ રહી છે.
૩. રાજબબ્બરે કહ્યું હતું કે બંને પક્ષોએ આ મામલે મંત્રણા કરીને વાતચીતના માધ્યમથી મુદ્દાનો ઉકેલ લાવવો જોઈએ અને અમે મતભેદો દૂર કરવાનો પ્રયાસ કરીશું. લોકો ઈચ્છે છે કે બંને પક્ષો સાથે ચૂંટણી લડે.
૪. ઉલ્લેખનીય છે કે આગામી ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં સપા-બસપાએ ગઠબંધનના સંકેત આપીને કોંગ્રેસને એકલી પાડી દેવાના સંકેત આપ્યા છે.
૫. મધ્યપ્રદેશમાં કોંગ્રેસ ૧૧૪ સીટો જીતીને સૌથી મોટો પક્ષ બન્યો હતો. ૨૩૦ વિધાનસભા સીટો ધરાવતા આ રાજ્યમાં તેને બહુમતી માટે બે સીટોની જરૂર હતી. બસપા અને સપાએ તેને ટેકો આપ્યો હતો. બંને એક-એક સીટ જીત્યા હતા. જોકે કમલનાથની કેબિનેટમાં બંનેના ધારાસભ્યોને સ્થાન ન અપાયું.
૬. અખિલેશ યાદવે કહ્યું હતું કે ભવિષ્યમાં જે પણ સપા સાથે જોડાવા માગતું હોય તેના માટે તમામ રસ્તા ખુલ્લાં છે. અમે તમામ લોકોનું સ્વાગત કરીએ છીએ. ઉલ્લેખનીય છે કે તેલંગાણાના મુખ્યમંત્રી કેસીઆર કોંગ્રેસ-ભાજપ વિરોધી ત્રીજા મોર્ચાની રચના કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે.
૭. જ્યારે કેસીઆર દિલ્હીમાં હતા ત્યારે અખિલેશ યાદવે જોકે રાવને મળવાનો સમય આપ્યો ન હતો. તેમણે કહ્યું હતું કે તે તેલંગાણા જશે અને કેસીઆર સાથે ખાસ મુલાકાત કરશે.
૮. અખિલેશ યાદવના આ નિવેદન બાદ કોંગ્રેસમાં હડકંપ મચી ગયું હતું. કોંગ્રેસના મહાગઠબંધનના પ્રયાસો માટે તેમનું નિવેદન આંચકાજનક મનાઈ રહ્યું છે.
૯. જોકે અખિલેશ પોતે રાહુલ સાથે કોઈ ખેંચતાણ ન હોવાની વાત સ્વીકારી ચૂક્યા છે. યુપીમાં બંને ગઠબંધનમાં સામેલ હતા તેમ છતાં બંને ચૂંટણી હારી ગયા હતા.
૧૦. માયાવતી તાજેતરની વિધાનસભા ચૂંટણીઓ પહેલા જ સીટ વહેંચણી મુદ્દે કોંગ્રેસની ટીકા કરી ચૂક્યા હતા. તેમણે કોંગ્રેસને મધ્યપ્રદેશમાં ટેકાની ના પાડી દીધી હતી.