(એજન્સી) લખનઉ, તા. ૨૧
સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે, એસપી અને બીએસપીનું ગઠબંધન બન્યા બાદ તેમના નેતાઓ હતાશ થઇ ગયા છે અને તેઓ વિપક્ષી નેતાઓ સામે વાંધાજનક નિવેદનો કરી રહ્યા છે. તેમણે ભાજપના ધારાસભ્ય સાધના સિંહ દ્વારા બીએસપી પ્રમુખ માયાવતી અંગે કરાયેલા નિવેદનની ટીકા કરી હતી. આ સાથે જ તેમણે કહ્યું કે, અમારી પાસે પીએમ પદના ઘણા વિકલ્પ રહેલા છે. આપણા દેશમાં નેતા લોકો નક્કી કરે છે. આગામી સમયમાં વહેલી તકે મહાગઠબંધન નક્કી થઇ જશે. આ વખતે દેશ નવા વડાપ્રધાનની તૈયારી કરી રહ્યો છે અને અમારી પાસે વડાપ્રધાન પદ માટે ઘણા વિકલ્પો રહેલા છે પણ ભાજપ પાસે વડાપ્રધાનનો વિકલ્પ હોય તો જણાવે જ્યારે તેની પાસે ૪૦થી વધુ પક્ષો છે.
સમાજવાદી પાર્ટીના પ્રમુખે કહ્યું કે, ભાજપના લોકો કહે છે કે, આજે સમગ્ર દુનિયામાં ભારતનો ડંકો વાગી રહ્યો છે પરંતુ સૌથી વધુ બેરોજગાર ભારતમાં જ રહે છે તેનો પણ ડંકો વાગે છે. અભ્યાસ કહે છે કે, દુનિયામાં સૌથી વધુ બીમારી પણ ભારતમાં જ છે. સૌથી વધુ કેન્સર પીડિત પણ ભારતમાં જ છે. આવનારા સમયમાં કેન્સરનો સૌથી વધુ ખતરો પણ ભારતના લોકોને જ છે. દેશમાં શિક્ષણની શું સ્થિતિ છે ? દેશમાં જ મોબ લિન્ચિંગની ઘટનાઓ થઇ રહી છે. લોકોનું ટોળું કોઇપણ સમયે નિર્દોષોને મારી નાખે છે. દુનિયામાં તેનો પણ ડંકો વાગે જ છે. તેમણે કહ્યું કે, દુનિયામાં ભાજપે જ સૌથી વધુ જુઠ્ઠાણું ચલાવ્યું છે. જે મહિલાઓને ઉજ્જવલા યોજના અંતર્ગત ગેસ સિલિન્ડર અને સગડી અપાઇ હતી તેઓ આજે પણ રાહ જોઇ રહી છે કે, ચૂંટણી આવવા દો પછી બતાવીશું કે સિલિન્ડર કેવી રીતે ભરવામાં આવે છે. નોટબંધીની કોઇ અસર હજુ સુધી દેખાઇ નથી.