(એજન્સી) તા.૨૪
ઉ.પ્ર.માં પૂૂર્વ મુખ્યપ્રધાનો દ્વારા સરકારી બંગલાનો કબજો ધરાવવા માટે મંજૂરી આપતો કાયદો રદબાતલ કરવામાં આવ્યા બાદ સમાજવાદી પાર્ટીના (સપા) વડા અખિલેશ યાદવે મંગળવારે જણાવ્યું હતું કે તેમણે ભાડાની રહેણાક જગ્યા શોધવા અથવા પોતાનું ઘર બાંધવા માટે સત્તાવાળાઓ પાસેથી સમય આપવા માગણી કરી છે.
ટીવી ચેનલ એબીપી ન્યૂઝ સાથેની વાતચીતમાં ઉ.પ્ર.ના પૂર્વ મુખ્યપ્રધાન અખિલેશ યાદવે જણાવ્યું હતું કે મેં ભૂલ એ કરી હતી કે મારા માટે ઘર બાંધ્યું ન હતું. મેં ભાડાની જગ્યા શોધવા થોડો સમય આપવા અપીલ કરી છે. હું એ દરમિયાન ભાડાનું ઘર શોધી રહ્યો છું અથવા જો મને સમય આપવામાં આવશે તો હું મારું પોતાનું ઘર બાંધીશ. સુપ્રીમકોર્ટે પોતાના ૭ મે,ના આદેશ દ્વારા ઉ.પ્ર. મિનિસ્ટર્સ એક્ટ ૧૯૮૧ની એ જોગવાઇ રદબાતલ ઠરાવી હતી જેમાં પૂર્વ મુખ્યપ્રધાનોને પોતાની મુદ્દત પૂરી થયા બાદ રહેણાક વ્યવસ્થાનો કબજો જાળવી રાખવાની મંજૂરી આપતી હતી. ન્યાયમૂર્તિ રંજન ગોગઇ અને ન્યાયમૂર્તિ આર ભાનુની બનેલી બેંચે જણાવ્યું હતું કે મુખ્યપ્રધાનો પણ સામાન્ય નાગરિકોની સમકક્ષ હોય છે અને એક વખત પદત્યાગ બાદ જો તેમને જાહેર ખર્ચે તેમના બંગલા જાળવવા દેવામાં આવશે તો તે તેમના માટે નાગરિકોનો એક અલગ વર્ગ ઊભો કર્યો છે એવું પુરવાર થશે. સુપ્રીમકોર્ટના આદેશ બાદ કેન્દ્રીય ગૃહપ્રધાન રાજનાથસિંહ, રાજસ્થાનના રાજ્યપાલ કલ્યાણસિંહ, સપા નેતા મુલાયમસિંહ યાદવ અને અખિલેશ યાદવ, કોંગ્રેસના પીઢ નેતા એનડી તિવારી અને બસપાના વડા માયાવતીને નોટિસ બજાવી હતી.
અખિલેશ યાદવનો બંગલો લખનૌમાં વિક્રમાદિત્ય માર્ગ પર આવેલો છે એ ૨૦૧૭ની વિધાનસભાની ચૂંટણી પહેલા જ આ બંગલો તેમને ફાળવવામાં આવ્યો હતો. તેમનો આ બંગલો સૌથી ખર્ચાળ જગ્યા છે એવું જાણવા મળે છે. મુલાયમસિંહ છેલ્લા ૨૭ વર્ષથી ૫, વિક્રમાદિત્ય માર્ગ પર રહે છે.