(એજન્સી) લખનૌ,તા.રર
યુપીના પૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે દાવો કર્યો છે કે આગામી વિધાનસભાની ચૂંટણીમાં સમાજવાદી પાર્ટી જંગી બહુમતીથી વિજયી બની સરકાર બનાવશે. અખિલેશ યાદવે હિન્દુસ્તાન શિખર સમાગમ પ્રસંગે બોલતા વધુમાં જણાવ્યું કે તેમનો પક્ષ આગામી ચૂંટણીમાં ૩પ૧ બેઠકો પર વિજય મેળવશે. સાયકલવાળી સરકાર સમાજના દરેક વર્ગોને જોડશે. આગામી ચૂંટણીમાં તેમનો પક્ષ કોઈપણ પક્ષ સાથે ગઠબંધન નહીં કરે. આ વખતે સપા એકલા હાથે ચૂંટણી લડશે. ર૦૧૭માં સપાએ કોંગ્રેસ સાથે ગઠબંધન કરતા ચૂંટણીમાં હાર મળી હતી. ર૦૧૯માં લોકસભાની ચૂંટણીમાં સપાએ બસપા સાથે જોડાણ કર્યું હતું. સપાને માત્ર પાંચ બેઠકો મળી હતી. ગયા વર્ષે ૧૧ પેટા ચૂંટણીમાં સપાની ત્રણ બેઠકો પર જીત થઈ હતી. અખિલેશ યાદવે દિલ્હીની જનતાને આમ આદમી પાર્ટીએ વિજયી બનાવવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. અખિલેશ યાદવે કહ્યું કે લખનૌ મેટ્રો, પૂર્વાચલ એકસપ્રેસ તેમની સરકારે શરૂ કરેલી યોજનાઓ છે. તેમણે સીએએ, એનઆરસી, એનપીઆર કાનૂનોને વિભાજનવાદી બતાવ્યા હતા. સપાના કાર્યકરો એનપીઆર ફોર્મ નહીં ભરે.