(એજન્સી) લખનૌ, તા. ૩૧
ઉત્તર પ્રદેશના કૈરાનામાં ભાજપના પરાજય અંગે પ્રત્યાઘાત આપતા સમાજવાદી પક્ષના પ્રમુખ અખિલેશ યાદવે જણાવ્યું કે લોકશાહીમાં નહીં માનનારાઓનો આ પરાજય છે. તેમણે એવું પણ જણાવ્યું કે ઉત્તર પ્રદેશના લોકોએ તેમની સાથે દગા કરવા બદલ ભાજપને પાઠ ભણાવ્યો છે. આ ખેડૂતો, ઉપેક્ષિત લોકો, ગરીબ અને દલિતોનો વિજય છે. અમારા માટે મતદાન કરવા બદલ હું ખેડૂતો, દલિતો અને બધા લોકોને અભિનંદન પાઠવું છું. લોકોએ ભાજપને જડબાતોડ જવાબ આપ્યો છે. દેશના ભાગલા પાડવાના પ્રયાસો કરનારાઓને લોકોએ જડબાતોડ જવાબ આપ્યો છે.
તેમણે એવું પણ કહ્યું કે ઉત્તર પ્રદેશ સરકારે રાજ્યના લોકોને વારંવાર મૂર્ખ બનાવ્યા છે. ખેડૂતોને કહેવામાં આવ્યું હતું કે તેમની લોન માફ કરી દેવામાં આવી છે પરંતુ લોન તો માફ ન થઇ ઉલ્ટાના ખેડૂતોએ તેમના જીવ ગુમાવ્યા છે. વિરોધ પક્ષોના સંયુક્ત ઉમેદવારો કૈરાના લોકસભાની અને નૂરપુર વિધાનસભા મતવિસ્તારની પેટાચૂંટણીમાં જીતી ગયા છે. અખિલેશ યાદવે કૈરાનામાં ભાજપ સામે કિલ્લો બનાવવા બદલ આરએલડીના વડા અજીતસિંહ અને નેતા જયંત ચૌધરીનો આભાર માન્યો છે. પેટાચૂંટણીઓમાં વિપક્ષના ઉમેદવારોનું સમર્થન કરવા બદલ કોંગ્રેસ, બસપા, આપ, એનસીપી, ડાબેરી પક્ષો અને મહાન પાર્ટી, નિશાદ પાર્ટી તેમ જ પીસ પાર્ટીનો આભાર માન્યો છે.