(એજન્સી) નવી દિલ્હી, તા. ૪
વડાપ્રધાન મોદીના તાજેતરના ઇન્ડોનેશિયાના પ્રવાસ અંગે કટાક્ષ કરતા સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાનનો શું મુસ્લિમ દેશોનો આ પ્રવાસ મુસ્લિમ જગતના ‘આંતરરાષ્ટ્રીય તૃષ્ટિકરણ’નો પ્રયાસ છે. અખિલેશે સત્તાવાર સમાચાર એજન્સીને જણાવ્યું હતું કે, ભાજપ હંમેશા સમાજવાદી પાર્ટી પર મુસ્લિમોના તૃષ્ટિકરણનો આરોપ લગાવે છે. રાજ્યમાં ભાજપ સરકારના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ વિધાનસભામાં કહે છે કે, તેઓ હિંદુ છે અને ઇદ નથી મનાવતા. વડાપ્રધાન મોદી રમઝાનના પવિત્ર મહિનામાં ઇન્ડોનેશિયા અને મલેશિયાના પ્રવાસ પરથી પરત ફર્યા છે તો શું આ મુસ્લિમોનો આંતરરાષ્ટ્રીય તૃષ્ટિકરણનો પ્રયાસ છે ? ભાજપ સમાજવાદી પાર્ટી પર મુસ્લિમોના તૃષ્ટિકરણનો આરોપ લગાવે છે તો આ શું છે ? તેમણે કહ્યું કે, ફક્ત ઉત્તરપ્રદેશના જ નહીં પરંતુ સમગ્ર દેશના લોકો ભાજપથી ખફા છે કારણ કે તેઓ સમજી ગયા છે કે તેઓ ફક્ત વચનો જ આપે છે. હવે લોકો પણ સમજી ગયા છે કે ભૂખ્યા પેટે કાંઇ ન થઇ શકે. ભાજપ નેતાઓના વાહિયાત નિવેદનો અંગે તેમણે જણાવ્યું હતું કે, ભાજપે હારને પચાવતા શીખવું પડશે કાંતો ભાજપ ૨૦૧૯ની લોકસભા ચૂંટણીને પચાવી નહીં શકે જેમાં વિપક્ષે હવુ પુનરાગમન કર્યું છે. વડાપ્રધાન મોદી તાજેતરમાં જ વિશ્વમાં સૌથી વધુ મુસ્લિમ વસ્તી ધરાવતા દેશ ઇન્ડોનેશિયાની મુલાકાતે ગયા હતા તેમણે ૨૦૧૫માં બે વખત સિંગાપુર અને એક વખત મલેશિયાની મુલાકાત લીધી હતી. મોદીએ રાષ્ટ્રપતિ જોકો વિડોડો સાથે દક્ષિણ-પૂર્વ એશિયાની સૌથી વિશાળ ઇન્ડોનેશિયામાં આવેલી ગ્રાન્ડ ઇસ્તિકલાલ મસ્જિદની મુલાકાત લીધી હતી. ઇન્ડોનેશિયા ભારત બાદ સૌથી વધુ મુસ્લિમો ધરાવનાર દેશ જ નહીં પરંતુ ત્રીજી સૌથી મોટી લોકશાહી પણ છે.