(એજન્સી) તા.૧૧
બંગલા વિવાદમાં ફસાયેલા સમાજવાદી પાર્ટીના (સપા) પ્રમુખ અખિલેશ યાદવે રવિવારે જણાવ્યું હતું કે ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં ભાજપને કોઇપણ ભોગે હરાવવા માટે તેમનો પક્ષ ગઠબંધન ભાગીદારો બસપા, કોંગ્રેસ અને રાલોદ સાથે બેઠક વહેંચણીમાં કેટલીક બેઠકો જતી કરવા પણ તૈયાર છે. મૈનપુરીમાં મીડિયા સાથેની વાતચીતમાં અખિલેશ યાદવે જણાવ્યું હતું કે સમાજવાદી પાર્ટી ૨૦૧૯માં ભાજપ સરકારની વાપસીને રોકવા માટે બસપા, કોંગ્રેસ, રાલોદ અને અન્ય સમાન વિચારસરણી ધરાવતા પક્ષો સાથે ભાજપ વિરોધી મહાગઠબંધન રચવા કેટલીક બેઠકોનો ભોગ અને કુરબાની આપવા તૈયાર છે. અખિલેશ યાદવે જણાવ્યું હતું કે મારા પક્ષને બેઠક વહેચણી અંગે ચિંતા નથી. અમારે ગઠબંધન ભાગીદારોને જો કેટલીક બેઠકો આપવી પડશે તો પણ તમામ બિનભાજપ પક્ષોની વિપક્ષી એકતા માટે કામ કરી રહ્યા છીએ. અખિલેશ યાદવે સ્પષ્ટ કર્યુ હતું કે અમારો મુખ્ય હેતુ અમે જે બેઠકો પર સંયુક્ત રીતે લડીશું તે પ્રત્યેક બેઠક પર મજબૂત ઉમેદવારને ચૂંટણી જંગમાં ઉતારવાનો છે. તેમણે જણાવ્યું હતું કે તેમનો મુખ્ય પ્રયાસ ગઠબંધનને મજબૂત કરવાનો અને ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી અને ત્યારબાદ તે ટકી રહે તે જોવાનો છે. અમે કૈરાના અને નુરપુરમાં ચૂંટણી પ્રચાર કર્યો ન હતો તેમ છતાં લોકોએ ગઠબંધનને મત આપ્યા હતા. આ બતાવે છે કે તેમને કોમવાદી બળોને હરાવવા માટે નવા ગઠબંધનમાં વિશ્વાસ છે.
સપાના વડાએ જાહેરાત કરી હતી કે જ્યારે તેમની સરકાર પુનઃ સત્તારુઢ થશે ત્યારે લખનૌ-આગ્રા એક્સપ્રેસ વે પર રૂા.૩૦ લાખ કરતા ઓછી કિંમતના ટ્રેક્ટરો અને ખાનગી વાહનો પર કોઇ ટેક્સ લાદવામાં આવશે નહીં.