(એજન્સી) નવી દિલ્હી, તા.૩
ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવને સરકારી બંગલામાં થયેલા નુકસાન પેટે રૂા. ૬ લાખ ચૂકવવા પડે તેવી શક્યતા છે. ગત જૂન માસમાં સુપ્રીમ કોર્ટના આદેશ બાદ સરકારી બંગલો ખાલી કરવામાં આવ્યો હતો. એક સરકારી અહેવાલ મુજબ મુખ્યમંત્રીના કાર્યકાળ દરમિયાન અખિલેશે બંગલામાં ગેરકાયદેસર બાંધકામ માટે રૂા.૪.૬૭ લાખ ખર્ચ કર્યાનો આરોપ છે જેની સામે આ રકમ કઈ નથી.
ઉત્તરપ્રદેશ પબ્લિક વર્ક ડિપોર્ટમેન્ટે પોતાના ર૦૦ પાનાના અહેવાલમાં જણાવ્યું હતું કે, બંગલાના ધાબા, રસોડા, વીજ ઉપકરણો, ટાઈલ્સો, ગાર્ડન, કલર અને બાથરૂમમાં નુકસાન થયું હતું. બંગલામાં અખિલેશે મોટાપાયે ગેરકાયદેસર બાંધકામ કર્યાનો આરોપ છે. રાજ્ય સરકાર અખિલેશને કારણ દર્શાવવા નોટિસ પાઠવે તેવી શક્યતા છે.
જો કે અખિલેશે બંગલાને નુકસાન પહોંચાડ્યાના આરોપો ફગાવી દીધા હતા. તેમણે જણાવ્યું હતું કે, મેં બંગલાને કોઈ ક્ષતિ પહોંચાડી નથી. તેમણે જણાવ્યું હતું કે, જો સરકાર આ વાત પુરવાર કરી બતાવે તો હું સામગ્રી બદલી આપવા તૈયાર છું. તાજેતરમાં રજૂ થયેલા અહેવાલ અંગે પ્રતિક્રિયા આપતાં અખિલેશે જણાવ્યું હતું કે, રાજ્યની ભાજપ સરકાર ભેદભાવપૂર્ણ કાર્યવાહી કરી રહી છે.
અખિલેશની નજીકના સમાજવાદી પાર્ટીના નેતા સુનિલ યાદવે જણાવ્યું હતું કે, ભાજપ અખિલેશની પ્રસિદ્ધિથી ગભરાઈ છે. જેથી તેઓ આ બધું કરી રહ્યા છે. આગામી લોકસભાની ચૂંટણીને કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અખિલેશને બંગલા વિવાદમાં ફસાવવા માંગે છે.