(એજન્સી) મહોબા, તા.ર૧
યુપીના પૂર્વ મુખ્યમંત્રી અને સપા અધ્યક્ષ અખિલેશ યાદવે પ્રદેશની યોગી સરકાર પર રવિવારે નિશાન તાક્યું છે. સિતાપુરમાં કૂતરાઓના હુમલાઓમાં થયેલા ૧૪ બાળકોના મોતના કેસમાં તેમણે કહ્યું કે, પ્રદેશની સરકાર બાળકોને કૂતરાઓથી પણ બચાવી શકતી નથી.
અખિલેશ યાદવે રવિવારે મહોબાની મુલાકાત લીધી હતી. તેઓ આ દરમિયાન આર્થિક સંકડાશને કારણે આત્મહત્યા કરી ચૂકેલા ખેડૂતોના પરિવારજનોને મળ્યા. આ દરમિયાન તેમણે પીડિતોના પરિવારોને આર્થિક મદદ તરીકે રપ-રપ હજાર રૂપિયાના ચેક પણ આપ્યા.
સપા અધ્યક્ષ અખિલેશ યાદવે સરકાર પર કટાક્ષ કરતાં કહ્યું કે, આ સરકાર જાનવરોના નામે આવી હતી પરંતુ કૂતરાઓથી બાળકોની રક્ષા કરી શકતી નથી. આ સરકાર ખેડૂતોને પણ કોઈ મદદ આપતી નથી. દલિતોના ઘરે જઈને રાત્રી ભોજનથી શું લાભ મળશે. ખેડૂતોને મદદ તો કરવી જ જોઈએ.
અખિલેશ યાદવે કર્ણાટક મુદ્દે સુપ્રીમ કોર્ટને શુભેચ્છા પાઠવતા કહ્યું કે, જો સુપ્રીમ કોર્ટે હસ્તક્ષેપ ના કર્યો હોત તો ભાજપે લોકશાહીની હત્યા કરી નાખી હોત.