(એજન્સી) તા.૫
જાપાનમાં એક આખો ટાપુ જ ગાયબ થઇ ગયો છે. આ ઘટના જાપાનના હોકેડો નામના વિસ્તારની છે. આ ટાપુ પર કોઇ વસ્તી ન હતી અને તેનું નામ હતું અસાન્બે હાનાકિતાઓજીમા. ઘણા દિવસોથી કોઇએ આ આઇલેન્ડને નોટિસ નહીં કરતા જાણવા મળ્યું હતું કે તે અચાનક લાપત્તા થઇ ગયો છે.
ટાપુ સમુદ્રમાં ડૂબી ગયો છે પરંતુ તેને કોઇએ ડૂબતા જોયો નથી. સૌપહેલા લેખક હીરોસી સીમીજુએ આ વાત પ્રકાશમાં લાવી હતી. તેમણે આ વિસ્તારમાં પ્રવાસ પણ કર્યો છે અને છૂપેલા ટાપુ પર એક પુસ્તક પણ લખ્યું છે. હીરોસી સીમિજુએ સ્થાનિક લોકોને જણાવ્યું હતું કે આ ટાપુ જમીન પરથી દેખાતો નથી અને આજુબાજુ રહેલી નૌકા પરથી પણ દેખાતો નથી. સ્થાનિક લોકોએ આ ટાપુ અંગે અધિકારીઓને ફરિયાદ પણ કરી છે પરંતુ કોઇ શોધી શક્યું નથી.
આ ટાપુ સમુદ્રની સપાટીથી માત્ર ૧.૪ મીટર જ ઉપર હતો. જાપાન સરકારે ટાપુની શોધ માટે રેસ્ક્યુ મિશન શરૂ કરી દીધું છે. જો કે એક અધિકારીએ એવી શંકા વ્યક્ત કરી છે કે તોફાન અને હિમવર્ષાને કારણે ટાપુ ગુમ થઇ ગયો હોવો જોઇએ. જો કે આ ટાપુ ગુમ થવા અંગે સોશિયલ મીડિયા પર ચર્ચા છેડાઇ છે. કેટલાક લોકો આ બાબતે કટાક્ષ કરી રહ્યા છે.
કોસ્ટગાર્ડના સિનિયર અધિકારી ટોમો ફુજીનું માનવું છે કે આ ટાપુ હવા અને બરફના કારણે ઘસાઇને લુપ્ત થઇ ગયો હશે. જો આ ટાપુનો પત્તો નહીં લાગે તો જાપાનને ૫૦૦ મીટર સુધી ફેલાયેેલ પ્રાદેશિક દરિયાઇ જળનું નુકસાન થશે.