જામનગર, તા. ૨૫
જામજોધ૫ુરના વસંતપુર-હોથીજી ખડબા ગામ વચ્ચે બાઈક પરથી પસાર થતા એક વયોવૃદ્ધ દંપતીની આંખોમાં મરચાની ભૂક્કી છાંટી બાઈક પર આવેલા બે શખ્સોએ રૂા.ર લાખ ૮૦ હજારની લૂંટ ચલાવી પોબારા ભણી લીધા હતા. આ દંપતી જામજોધપુરની બેંકમાંથી ધિરાણ મેળવી વેરાવળ જતું હતું ત્યારે માર્ગમાં આ બનાવ બન્યો હતો.
જામજોધપુર તાલુકાના વેરાવળ ગામના જુમાભાઈ અલારખાભાઈ પટા તથા તેમના પત્ની હલીમાબેન સવારે બાઈક પર જામજોધપુર આવ્યા હતા. જ્યાં તેઓએ જામજોધપુરની બેંકમાં અગાઉ કરેલી ધિરાણ મેળવવાની કામગીરીને પૂર્ણ કરાતા તેઓને ધિરાણની રકમ આપવામાં આવી હતી.બેંકમાંથી મળેલી રૂા.ર લાખ ૮૦ હજારની રોકડ સાથે આ દંપતી વેરાવળ જવા માટે રવાના થયું હતું. જ્યારે વસંતપુર રોડ પર અચાનક પાછળથી ડબલ સવારીમાં આવેલું એક બાઈક બાજુમાં આવીને ઊભું રહી ગયું હતું. જેમાં સવાર બુકાનીધારી બે શખ્સોએ પોતાની પાસે રહેલી મરચાની ભૂક્કી આ દંપતીની આંખોમાં છાંટતા જુમાભાઈએ પોતાનું મોટરસાયકલ ઊભું રાખી દેવાની ફરજ પડી હતી.ત્યારે હલીમાબેનના હાથમાં રહેલી થેલીની આ શખ્સોએ ઝૂંટ મારી હતી અને થેલી હાથમાં આવી જતાં મોટરસાયકલ ભગાડી મૂક્યું હતું. આ થેલીમાં રૃા.ર લાખ ૮૦ હજારનું મળેલું ધિરાણ રહેલું હોય, દંપતીએ બૂમો પાડી હતી, પરંતુ લૂંટારૃઓ નાસી જવામાં સફળ થયા હતા. બનાવની જાણ કરાતા જામજોધપુરના પીઆઈ જે.એ. ભગોરા તથા પોલીસ કાફલો દોડયો હતો. પોલીસે હલીમાબેનની ફરિયાદ પરથી બે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.