(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૨૪
પાદરાના મહુવડ-રણુ રોડ પર ડમ્પર અને ટેમ્પો વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં કુલ ૧૩ વ્યકિતઓના મોત નિપજ્યા હતા. આ અકસ્માતમાં મૃત્યુ પામનાર મૃતકોના તેમના ગામોમાંથી આજે એક સાથે જનાઝા નિકળતા ગામોમાં માતમ છવાઈ ગયો હતો. રણુ ગામમાંથી ૭ મૃતકો, ભોજ ગામમાંથી ૩ મૃતકો તથા વડોદરાના-૨ મૃતકો અને વડુના-૧ મૃતકના જનાઝા નિકળતા ગમગીની છવાઇ ગઇ હતી.ગત શનિવારે મોડી સાંજે પાદરાનાં મહુવડ-રણુ રોડ પર સાવલી તાલુકામાં મોસાળુ પતાવી પરત રણુ ગામ જઇ રહેલા આયસર ટેમ્પોને ડમ્પરે ટક્કર મારતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ૧૨ વ્યકિતઓના મોત નિપજ્યા હતા. ત્યારબાદ અન્ય એક ઈજાગ્રસ્ત ૧૭ વર્ષીય રીઝવાનાબાનુ હબીબ હસન મલેક (રહે. રણુ ગામ)નું મોત થતા કુલ-૧૩ વ્યકિતઓનાં મોત નિપજ્યા હતા. આજરોજ પોલીસ કાર્યવાહી બાદ રણુ ગામમાંથી એક સાથે ૭ જનાઝા નિકળતા સમગ્ર ગામ હીબકે ચઢ્યું હતું. સાથે જ ભોજ ગામમાંથી ૩ મૃતકોના જનાઝા વડુમાંથી એક મહિલાનો જનાઝો અને વડોદરાના-૨ વ્યકિતઓના જનાઝા નિકળતા ભારે ગમગીની છવાઈ ગઈ હતી. મૃતકોના જનાઝામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને અશ્રુભીની આંખે તમામની દફનવિધિ કરવામાં આવી હતી. આ ઉપરાંત મૃતકોના પરિવારજનો દ્વારા સરકારને મુખ્યમંત્રી રાહતનિધી ફંડમાંથી સહાય કરવામાં આવે તે માટે પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે.