અમદાવાદ, તા.૧૪
જાપાનના વડાપ્રધાન શિન્જો અબેના પત્ની અને જાપાનના ફર્સ્ટ લેડી અકી અબેએ આજે વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા અંધજન મંડળની મુલાકાત લીધી ત્યારે અંધ અને અપંગ બાળકો-વિદ્યાર્થીઓને વ્હાલ કરી તેમને પ્રેમથી હાથ ફેરવી સૌકોઇને આશ્ચર્યચકિત કરી દીધા હતા. અકી અબેએ પ્રજ્ઞાચક્ષુ અને અપંગ બાળકોની કામગીરી અને તેમની કલાને નિહાળી તેને બિરદાવી હતી અને તેમની સાથે હાથ મિલાવી તેમના માથા પર હાથ ફેરવી પ્રેમના બે મીઠા બોલ બોલી તેમનો ઉત્સાહ વધાર્યો હતો. જાપાનની ફર્સ્ટ લેડીના આટલા વ્હાલ અને આદરભર્યા પ્રેમને જોઇ અંધજન મંડળના સંચાલકો સહિત ઉપસ્થિત સૌકોઇ દંગ રહી ગયા હતા. જાપાનની ફર્સ્ટ લેડી અકી અબેએ અંધજન મંડળની મુલાકાત લીધી તે દરમ્યાન પ્રજ્ઞાચક્ષુ અને અપંગ બાળકોના રચનાત્મક કાર્યો અને તેમની કલાશકિતને બારીકાઇથી નિહાળી તેનાથી પ્રભાવિત થયા હતા. તેમણે અંધજન મંડળ તરફથી થઇ રહેલી આ સેવા પ્રવૃત્તિને બિરદાવી હતી. જાપાનની ફર્સ્ટ લેડી અકી અબેએ પણ અમદાવાદમાં વસ્ત્રાપુુર અંધજન મંડળ ઉપરાંત અમદાવાદ મેનેજમેન્ટ એસોસીએશન (એએમએ), ગુજરાત યુનિવર્સિટી, કેલિકો મ્યુઝીયમ ઓફ ટેક્ષ્ટાઇલ સહિતના વિવિધ સ્થળોએ મુલાકાત લીધી હતી અને સૌકોઇમાં સતત સ્મિત સાથે પ્રેમ, આદર અને ઉત્સાહની છાપ છોડી હતી. અકી અબેએ અમદાવાદ મેનેજમેન્ટ એસોસીએશન ખાતે જાપાન ઇન્ફોર્મેશન એન્ડ સ્ટડી સેન્ટર દ્વારા આયોજિત ઓરીગામી મહોત્સવનું ઉદ્‌ઘાટન કર્યું હતું. આ પ્રસંગે તેમણે જાપાની ભાષાનો અભ્યાસ કરતાં ૪૦૦ વિદ્યાર્થીઓ અને ગુજરાત યુનિવર્સિટીમાં એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ અભ્યાસ કરી રહેલા ૩૦ જાપાનીઝ વિદ્યાર્થીઓ સાથે સંવાદ પણ કર્યો હતો. અકી આબેએ ગુજરાત યુનિવર્સિટી ખાતે કલાઇમેન્ટ ચેન્જ વિષય પર વકતવ્ય પણ આપ્યું હતું અને વિશ્વની હવામાન અને પર્યાવરણીય સ્થિતિ અને તેના રક્ષણના ઉપાયોનો વિસ્તૃત ચિતાર આપ્યો હતો. જે સાંભળી સૌકોઇએ તેમના વકતવ્યને તાળીઓના ગડગડાટથી વધાવી લીધુ હતું.
વધુમાં શ્રીમતિ અબેએ નાનપણમાં પોતે કરેલા સંઘર્ષ અને સંઘર્ષ બાદની સફળતા વચ્ચેના વિવિધ પડાવો અંગે વિદ્યાર્થીઓને જણાવ્યા હતા.