(એજન્સી) વોશિંગ્ટન, તા. ૫
ટ્રેડ વોરની વચ્ચે અમેરિકાએ ઇરાન પર અનેક પ્રકારના આર્થિક પ્રતિબંધો લગાવ્યા છે, જે સોમવારે મોડી રાતથી લાગુ થઇ ગયા છે. ઇરાનને ડર છે કે, આ પ્રતિબંધો બાદ રોજિંદું જીવન પહેલાં કરતા વધુ મુશ્કેલ બની જશે. અમેરિકા દ્વારા લગાવેલા પ્રતિબંધ હેઠળ ઇરાનમાં સોમવારે મોડી રાતથી કાચા માલની સમસ્યા ઉભી થવાના કારણે ઉદ્યોગ-ધંધા ઠપ થઇ શકે છે. લાઇફ-સેવિંગ દવાઓની ખરીદી મુશ્કેલ બની છે. એવામાં ઇરાન આવનારી સમસ્યાઓને લઇને ડરેલું અને બેચેન છે. પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, ૫ નવેમ્બરના રોજ ઇરાનની વિરૂદ્ધ તમામ પ્રતિબંધ ફરીથી લાગુ કરી દેવામાં આવશે, જેને પરમાણુ સમજૂતીના કારણે હટાવી દેવામાં આવ્યા હતા. ઇરાનની સાથે પરમાણુ સમજૂતીથી અલગ થયા બાદ ટ્રમ્પે તમામ દેશોને ઇરાન સાથે ક્રૂડની આયાત બંધ કરવા અથવા પ્રતિબંધોનો સામનો કરવાની ચેતવણી આપી હતી.
ઇરાનની એક સ્કૂલમાં અભ્યાસ કરનારા પેચમાન સરફનેજાદ કહે છે કે, હું કલ્પના નથી કરી શકતો કે આટલી ઝડપથી કિંમતો વધશે. મને ચિંતા છે અને સમજણ નથી પડી રહી કે હું શું કરું! અમે બાળકો માટે ચોખા ખરીદવા માટે પણ સક્ષમ નથી અને ભાડું પણ નથી આપી શકતા.

અમેરિકાના પ્રતિબંધોથી ઇરાનના સામાન્ય
નાગરિકોની મુશ્કેલીઓ અને વિપદાઓ વધશે

(એજન્સી) તા.૫
સોમવારે ઇરાન પર અમેરિકા દ્વારા લગાવવામાં આવેલા પ્રતિબંધોનો અમલ શરુ થઇ જશે. ઇરાનને ડર છે કે ત્યારબાદ લોકોનું જીવન વ્યવસ્થાપન મુશ્કેલ બની જશે. કાચા માલની મુશ્કેલીને કારણે ઉદ્યોગો ઠપ થઇ શકે છે અને જીવન રક્ષક દવાઓની ખરીદી પણ મુશ્કેલ બની જશે. અમેરિકાએ ૨૦૧૫માં ઇરાન પરથી પ્રતિબંધો હટાવ્યા હતા પરંતુ રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બીજી વખત પ્રતિબંધો લાદી દીધા છે. ઇરાનની આ એક શાળામાં ભણાવતા પેચમાન સર્ફનેજાદે જણાવ્યું છે કે મને કલ્પના પણ ન હતી કે આટલી ઝડપથી ભાવ વધી જશે. મને ચિંતા છે અને સમજાતું નથી કે હવે હું શું કરૂં. મારા બાળકો માટે ચોખા પણ ખરીદી શકતો નથી અને ભાડું પણ ચૂકવી શકતો નથી. પ્રતિબંધના કારણે રોજબરોજની જીંદગી કપરી બની ગઇ છે. અમેરિકાની પેનલ્ટીના ડરથી કેટલાય દેશોએ ઇરાન સાથે વ્યાપાર કરવાનો ઇન્કાર કર્યો છે. તહેરાનમાં કરિયાણાનો સ્ટોર ચલાવતા એક શખ્સે જણાવ્યું છે કે હું ખૂબ જ નિરાશ છું કારણ કે બજારમાં બધો સામાન હાલ મળતો નથી અને નાણાકીય ચલણની સ્થિતિ ગમે ત્યારે વણસી શકે છે. નવા પ્રતિબંધોના અમલ બાદ કોણ જાણે શું થશે. તહેરાનના એક બિઝનેસમેને જણાવ્યું હતું કે મેં મારો બિઝનેસ બંધ કરી દીધો છે. એક યુરોપિયન કંપની ગઇ સાલ મારી સાથે ડીલ કરવા માગતી હતી પરંતુ હવે આ કંપનીએ પણ ના પાડી દીધી છે. મોહમદ રેજા નામના એક નાગરિકે જણાવ્યું હતું કે સામાન્ય લોકોને પ્રતિબંધોના કારણેે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડશે. સારીમાં રહેતા ૩૮ વર્ષના એક સરકારી કર્મચારીએ જણાવ્યું હતું કે મારા પિતાને કેન્સર છે અને પ્રતિબંધને કારણે તેમનો ઇલાજ કરાવવો મુશ્કેલ છે. દવાઓના કાળાબજાર થવા લાગ્યા છે અને ખૂબ જ મોંઘા ભાવે દવા મળી રહી છે. કેટલાક ઇરાનીઓનું માનવું છે કે પ્રતિબંધો, ગેરવહીવટ અને ભ્રષ્ટાચારને કારણે કમજોર બનેલ અર્થતંત્ર હવે અમેરિકાના દબાણને કારણે કમજોર બનશે. સરકારી અધિકારીઓ દ્વારા એવા નિવેદનો કરવામાં આવી રહ્યા છે કે પ્રતિબંધની કોઇ અસર પડશે નહીં. વાસ્તવમાં આ રાજકીય સૂત્ર અને નારાઓ છે એવું વોશિંગ્ટન સ્થિત ફરહાદ અલવીએ જણાવ્યું હતું.