(એજન્સી)
વોશિંગ્ટન, નવી દિલ્હી, તા. ૫
અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ તેમના દેશમાં ભારતમાંથી આયાત કરવામાં આવતી વસ્તુઓ માટે ડ્યુટી ફ્રી (કર મુક્ત)નું બારણું બંધ કરવાની જાહેરાત કરી છે. ટ્રમ્પના આ પગલાથી ભારતને આર્થિક મોરચાએ મોટો ફટકો પડવાની શક્યતા છે. ડોનાલ્ડ ટ્‌મ્પે વેપારમાં ભારતને જનરલાઇઝ્‌ડ સિસ્ટમ ઓફ પ્રેફરેન્સ (જીએસપી)માંથી બહાર કરવા સંબંધિત નિવેદન કરીને વૈશ્વિક આર્થિક વર્તૂળોમાં નવી હિલચાલ પેદા કરી દીધી છે. ભારત માટે પ્રેફરેન્શિયલ ટ્રેડ ટ્રિટમેન્ટનો અંત આણવાની ટ્રમ્પની જાહેરાતના કલાકો બાદ ભારત સરકારે મંગળવારે જણાવ્યું કે અમેરિકાના આ પગલાંની ભારતના વેપાર પર કોઇ નોંધપાત્ર કે ખાસ અસર થશે નહીં. જીએસપી હેઠળ હાલમાં ભારતમાંથી ૫.૬ અબજ ડોલરની વસ્તુઓની અમેરિકામાં નિકાસ કરવામાં આવે છે અને આ વસ્તુઓ પર અમેરિકા દ્વારા કોઇ કર લેવામાં આવતો નથી. વાણિજય સચિવ અનુપ વાધવાને જણાવ્યું કે અમારી નજર અમેરિકા સાથે નોન-જીએસપી વેપાર પર છે. તેમણે એવું પણ કહ્યું કે અમારૂં એવું મૂલ્યાંકન છે કે અમેરિકાના આ પગલાંની ભારતમાંથી અમેરિકામાં નિકાસ કરવામાં આવતી વસ્તુઓ પર કોઇ નોંધપાત્ર અસર થશે નહીં. ભારત દ્વારા અમેરિકામાંથી આયાત કરવામાં આવતી વસ્તુઓ પર લાદવામાં આવતા ટેરિફ વિશ્વ વેપાર સંગઠના દરો સાથે સુસંગત છે.
દરમિયાન, સંસદીય નેતાઓને પાઠવેલા એક પત્રમાં ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે ભારત સરકાર સાથે મંત્રણાઓ કરાયા બાદ મેં એવું નક્કી કર્યું છે કે ભારતે તેના બજારોમાં અમેરિકાને યોગ્ય અને તર્કસંગત પહોંચ ઉપલબ્ધ કરાવવા અંગે ખાતરી આપવામાં નિષ્ફળ નીવડ્યું હોવાને કારણે હું આ પગલું ભરી રહ્યો છું. ટ્રમ્પે અમેરિકામાંથી આયાત કરવામાં આવતી વસ્તુઓ પર ભારે ટેરિફ નાખવાનો ભારત સામે વારંવાર આરોપ મુક્યો હતો. જાન્યુઆરી ૨૦૧૯માં પણ ઇમ્પોર્ટેડ વ્હીસ્કિ પર ૧૫૦ ટકા ટેરિફ નાખવા બદલ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતની ટીકા કરી હતી.
મીડિયાને માહિતી આપતા વાણિજય સચિવે કહ્યું કે અમેરિકાના પગલાથી માત્ર ૧૯ કરોડ ડોલરના વાસ્તવિક નફા પર અસર થશે. તેમણે એવું પણ કહ્યું કે જીએસપી લાભોથી અસર થનારી વસ્તુઓમાં કાચા માલસામાન, ઓર્ગેનિક કેમિકલ્સ સહિત વિભિન્ન ક્ષેત્રોની કેટલીક વસ્તુઓ પર અસર થશે.નોંધનીય છે કે અમેરિકા દ્વારા ભારત, ચીન અને અન્ય દેશો સામે અયોગ્ય વેપાર પદ્ધતિ અપનાવવાનો આરોપ મુક્તું રહ્યં છે. ભારતે ગયા વર્ષે સ્ટેન્ટ અને ની કેપ્સ જેવી મેડિકલ ડિવાઇસિસના ભાવો પર મર્યાદા લાગુ કરી હતી. આ ડિવાઇસિસના ભાવમાં ૬૦ ટકા સુધીનો ઘટાડો કરવામાં આવ્યો હતો. સરકાર દ્વારા મેડિકલ ડિવાઇસિસના ભાવમાં મર્યાદા લાગુ કરવામાં આવ્યા બાદ દેશમાં મેડિકલ સાધનો બનાવનાર કંપનીઓના ઉત્પાદનોના વેચાણમાં વધારો થયો હતો.