(એજન્સી) નવી દિલ્હી,તા.ર૩
શનિવારે રાજઘાટ ખાતે સીએએ અને એનઆરસી સાથે વિરોધ-પ્રદર્શન કરી રહેલા લોકોને જોઈ એક પોલીસ કર્મીએ કહ્યું હતું કે અમે આ લોકોને કેમ મારીશું. આ લોકોને ત્યાં તો અમે જમીએ છીએ અમે તો આ લોકોમાંથી ઘણાને ઓળખીએ છીએ. મોટાભાગના પોલીસ કર્મીઓને લાગે છે કે શુક્રવારે પોલીસ પર પથ્થરમારો કરનારા તોફાની તત્વો બહારના હતા અને તેમણે જુની દિલ્હીના લોકો સાથે સારા સંબંધોને પરિણામે સંયમ જાળવ્યો હતો. જો કે રાજઘાટ ખાતે એકત્ર થયેલા અનેક પ્રદર્શનકારીઓએ પોલીસની આ વાત ફગાવી દીધી હતી. તેમણે આક્ષેપ કર્યો હતો કે સોશિયલ મીડિયામાં એવા અનેક વીડિયો વાયરલ થયા છે જેમાં દેખાય છે કે દિલ્હી પોલીસના જવાનો ધાબા પર ચડી પથ્થરો ફેંકી રહ્યા છે. આ વિરોધ-પ્રદર્શન ૧૦મા દિવસમાં પ્રવેશ્યુ હોવાથી હવે પ્રદર્શનકારીઓ આ આંદોલનને ચાલુ રાખવા માટે નવી વ્યૂહરચનાઓ અંગે વિચારી રહ્યા છે. પી.એચ.ડી.ના એક વિદ્યાર્થીએ કહ્યું હતું કે હવે ચર્ચાનો મુખ્ય મુદ્દો એ છે કે કેવી રીતે આ આંદોલનને ચાલુ રાખી શકાય અને બીજો મુદ્દો એ છે કે ભાજપના દુષ્પ્રચાર અભિયાનનો કેવી રીતે સામનો કરી શકાય જે એક સમુદાય વિશેષને એકલા પાડી દેવાનો પ્રયત્ન છે. જામિયા મિલ્લિયા ઈસ્લામિયા અને દિલ્હી યુનિવર્સિટીના એક પૂર્વ વિદ્યાર્થીએ એનઆરસી અને સીએએને એક સાથે જ જોવા જોઈએ. આ કોઈ હિન્દુ-મુસ્લિમ કે વિદ્યાર્થી વ્યવસાયિકોની વાત નથી કારણ કે બધા લોકો નારાજ છે અને આ બધા પર અસર કરશે.