(એજન્સી) તા.૧૬
પૂર્વ જેરૂસલેમના અલ-કુદ્‌સ વિસ્તારમાં આવેલ મુસ્લિમોના ત્રીજા પવિત્ર સ્થળ સમાન અલ-અક્સા મસ્જિદને બંધ કરવા બદલ મુસ્લિમ દેશોએ ઈઝરાયેલ સરકારની આકરી ટીકા કરી છે. તમને જણાવી દઈએ કે તાજેતરમાં ઈઝરાયેલી પોલીસ અને પેલેસ્ટીની યુવકો વચ્ચે ગોળીબારીની ઘટના દરમિયાન બે ઈઝરાયેલી પોલીસ અધિકારીનાં મોત થયા હતા જ્યારે એક ઘવાયો હતો. બીજી બાજુ ઈઝરાયેલી પોલીસે ચાર પેલેસ્ટીની યુવકોને મોતને ઘાટ ઉતારી દીધા હતા.
આ ઘટનાને પગલે ઈઝરાયેલી પોલીસકર્મીઓએ શુક્રવારે જુમ્માની નમાઝ રદ કરાવી દીધી હતી. આ ઘટના હરામ અલ- શરીફના બાહ્ય વિસ્તારમાં જ બની હતી. આ ઘટના બાદ ઈઝરાયેલી પોલીસે જેરૂસલેમ અલ-કુદ્‌સ ખાતે આવેલી અલ-અક્સા મસ્જિદના મુફ્તી શેખ મુહમ્મદ હુસૈનની ધરપકડ કરી હતી. તેઓ જેરૂસલેમના ગ્રાન્ડ મુફ્તી કહેવાય છે અને આ કારણસર જ જુમ્માની નમાઝ પણ રદ કરવામાં આવી હતી. શેખ મુહમ્મદ મુફ્તી સાહેબે આ ઘટના અંગે કહ્યું કે અમે અલ- અક્સા મસ્જિદમાં જવા અને નમાઝ અદા કરવા માટે આગ્રહ પણ કર્યો હતો, તેમ છતાં ઈઝરાયેલીઓએ અમને અટકાવી દીધા હતા અને નમાઝ અદા કરવા ન દીધી. તેમણે પવિત્ર અલ-અક્સા મસ્જિદમાં જુમ્માની નમાઝ અદા કરવાના અમારા અધિકારનો ભંગ કર્યો છે. જો કે ઈઝરાયેલના આ પગલાંની ઘણાં મુસ્લિમ દેશો આકરા શબ્દોમાં ટીકા કરી રહ્યા છે. અરબ લીગ અને જોર્ડન જેવા દેશોએ અલ-અક્સા મસ્જિદને ફરી ખોલવા માટે માગણી કરી છે.
અરબ લીગે ચેતવણી આપી છે કે જુમ્માની નમાઝ પર ઈઝરાયેલી સરકાર દ્વારા મૂકવામાં આવેલ ઈઝરાયેલ માટે ઘાતક સાબિત થશે. રર સભ્ય દેશોના અરબ સંગઠને શુક્રવારે નિવેદન બહાર પાડી જણાવ્યું કે ઈઝરાયેલના આ પગલાં દેશમાં ચાલી રહેલી શાંતિ પ્રક્રિયાને અવરોધશે અને ક્ષેત્રમાં ફરી વિવાદ, આતંકવાદ અને અંતિમવાદને પ્રોત્સાહન મળશે. એક અન્ય નિવેદનમાં કહેવાયું છે કે અલ-અક્સા મસ્જિદને તાત્કાલિક ધોરણે ફરી ખોલી દેવામાં આવે અને મસ્જિદના દરજ્જાને બદલવાનો પ્રયાસ ન કરે. આંતરરાષ્ટ્રીય સમુદાયે આ ઇસ્લામિક અને ખ્રિસ્તી સંપ્રદાયના ધર્મસ્થળોની રક્ષા કરવી જોઇએ. જોર્ડન શહેર અલ- અક્સા મસ્જિદનું સંચાલન કરે છે તે કહે છે કે ઈઝરાયેલને અમારી સલાહ છે તે તાત્કાલિક ધોરણે મસ્જિદ ફરી ઓપન કરે અને ગમે તે પગલાં ભરતાં પહેલા એકવાર સારી રીતે વિચારી લે.
જો કે જોર્ડન સરકારના પ્રવક્તા મુહમ્મદ મોમાણીએ તેમના નિવેદનમાં કહ્યું કે મુસ્લિમોના અધિકારો પર કોઈ પણ પ્રકારનો હુમલો થયો નથી. અમે આ નિવેદનને નકારીએ છીએ. જો કે કતારે પણ આ દરમિયાન કહ્યું કે ઈઝરાયેલ સામે સમગ્ર દુનિયાના મુસ્લિમોને ઉશ્કેરતાં પગલાં ભરવા બદલ વૈશ્વિક પગલાં ભરવાની જરૂર છે. તુર્કીની સરકારે પણ શુક્રવારે બનેલી ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યો હતો. વક્ફ પબ્લિક રિલેશનના વડા ફિરાસ દિબ્સે જણાવ્યું કે ઈઝરાયેલી પોલીસે શુક્રવારની ઘટનાને પગલે પ૮ જેટલા અધિકારીઓને કેદમાં લીધા છે અને તેમની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે.