(એજન્સી) નવી દિલ્હી,તા.૨૭
ભારત ખાતેના પેલેસ્ટીની રાજદૂત અદનાન એમ એ અબિ અલ હાયજાએ ભારત સરકારને જેરુસલેમની અલ-અક્સા મસ્જિદ પર ઇઝરાયેલની સુરક્ષા દળોની કાર્યવાહી એક સપ્તાહ કરતા વધુ સમયના હિંસક દેખાવો બાદ બંધ કરવા ઇઝરાયેલ પર દબાણ લાવે. છેલ્લા ૧૦ દિવસથી જેરુસલેમમાં આ ઓલ્ડ સીટીના પવિત્ર પટાંગણના પ્રવેશદ્વારે મેટલ ડિટેક્ટર્સ ગોઠવવાના ઇઝરાયેલના નિર્ણયના પગલે ભડકી ઊઠેલી હિંસામાં જેરુસલેમમાં સૌથી ખોફનાક રક્તપાત જોવા મળ્યો છે. આ હિંસામાં ઇઝરાયેલ અને પેલેસ્ટાઇન બંનેના છ લોકોના મૃત્યુ થયા છે.
આ મહિનાના આરંભે જુલાઇમાં ઇઝરાયેલની મુલાકાત દરમિયાન પેલેસ્ટીની પાટનગર રામલ્લાહની મુલાકાત નહીં લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પરંપરાનો ભંગ કર્યા બાદ ઇઝરાયેલ-પેલેસ્ટીન સંઘર્ષમાં બે રાજ્યના ઉકેલ માટે ભારતના દુરોગામી સમર્થનમાં આવેલ બદલાવ સામે અબુ અલ હાયજાએ સવાલ ઉઠાવ્યો છે. અત્રે પેલેસ્ટાઇન દૂતાવાસ ખાતેે યોજાયેલી પત્રકાર પરિષદમાં અવુ અલ હાયજાએ જણાવ્યું હતું કે અગાઉ ભારત પેલેસ્ટીન લોકોના અધિકારોને સમર્થન આપવા અન્ય દેશોનું નેતૃત્વ કરી રહ્યંુ હતું. અમારી અપેક્ષા છે કે ભારત સરકાર આ મામલે તેનું સકારાત્મક વલણ ચાલુ રાખે.
આ સરકાર અને ઇઝરાયેલ વચ્ચેના સંબંધો સાથે હું એટલું કહી શકું કે તેઓ સ્થિતમાં દરમિયાનગીરી કરી શકે તેમ છે. અબુ અલ હાયજાએ સ્પષ્ટતા કરી હતી કે હું એવું નથી માનતો કે ભારત ઇઝારેયલની નીતિને સમર્થન આપી રહ્યો છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે મોદીએ જ્યારે પેલેસ્ટીનના પ્રમુખ મોહમદ અબ્બાસે મે મહિનામાં ભારતની મુલાકાત લીધી ત્યારે મોદીએ પેલેસ્ટીનના સાર્વભૌમત્વ માટે પોતાનું સમર્થન વ્યક્ત કર્યું હતું. ભારત ઇઝરાયેલ પર આંતરરાષ્ટ્રીય કાયદાને અનુસરવા અને ઉકેલ લાવવા ઇઝરાયેલને અન્ય દેશો સાથે મળીને દબાણ લાવી શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે મુસ્લિમો જેને હરમ અલ-શરીફ તરીકે ઓળખાતા અલ-અક્સા મસ્જિદ કમ્પાઉન્ડ અંગે જ્યારથી ઇઝરાયેલે ૧૯૬૭માં પૂર્વ જેરુસલેમ પર કબજો જમાવ્યો છે ત્યારથી બંને ધર્મો દ્વારા આ મસ્જિદને લઇને વિવાદ ઊભો થયો છે. ૧૪ જુલાઇના રોજ જ્યારે ત્રણ આરબ ઇઝરાયેલી નાગરિકોએ બે ઇઝરાયેલી પોલીસ અધિકારીઓને અલ-અક્સા મસ્જિદ પાસે મારી નાખ્યા બાદ તંગદિલી ભડકી ઊઠી હતી તેના કારણે ઇઝરાયેલી સરકારને મેટલ ડિટેક્ટર્સ લગાવવાની ફરજ પડી છે. હજારો પેલેસ્ટીનીઓએ ૨૧ જુલાઇના રોજ મસ્જિદની બહાર નમાઝ અદા કરતા ઇઝરાયેલી સુરક્ષા દળો સાથે હિંસક અથડામણો થઇ હતી. અબુ અલ-હાયજાએ જણાવ્યું હતું કે અલ-અક્સા મુસ્લિમ સ્થળ છે તેના માટે અમે હંમેશા લડત આપીશંુ.