(એજન્સી) પેરિસ, તા.૩૧
ઈસ્લામ ધર્મના ત્રીજા પવિત્ર સ્થળ અલ-અક્સા મસ્જિદમાં ઈઝરાયેલના દળો તૂટી પડયાની ઘટનાના વિરોધમાં ફ્રાન્સના પાટનગર પેરિસમાં શેખ યાસીન જૂથ દ્વારા એક વિરાટ રેલી નીકળી હતી. સેંકડો દેખાવકારો સેઈન્ટ મિચેલ સ્કવેર એકઠા થયા હતા અને અલ-અક્સા મસ્જિદમાં નમાઝ અદા કરવાના મુસ્લિમોના હક પ્રત્યે મજબૂત ટેકો દર્શાવ્યો હતો. મુસ્લિમ દેખાવકારોએ અલ-અકસા રેડલાઈન એન્ડ રેડ પોઈન્ટ બે બિલિયન મુસ્લિમો પીછેહટ નહીં કરે તેવા સૂત્રોચ્ચાર કર્યા હતા. તેમણે ઈઝરાયેલના દમનનો વિરોધ રેલી દરમિયાન મોક મેન્ટલ ડિટેકટરની પ્રતિકૃતિ દર્શાવી હતી. શેખ યાસીન જૂથના વડા અબ્દુલ હકીમ અલ-સફરીએ આ ઘટના પછી પશ્ચિમી દેશોના મૌનની ઝાટકણી કાઢી હતી. જેમાં ફ્રાન્સનો સમાવેશ થાય છે. જે પેલેસ્ટીની લોકો પણ ઈઝરાયેલના અપરાધો અંગે ચૂપ છે. તેમણે યુરોપિયન કોર્ટની હમાસને બ્લેકલિસ્ટ કરવાની કાર્યવાહીને વખોડી નાંખી કહ્યું હતું કે, પેલેસ્ટીની લોકો તેમની જમીન અને પવિત્ર સ્થળ માટે લડે છે. જેરૂસલેમના ગ્રાંડ મુફતી શેખ મોહમ્મદે રેલીને ફોન પર સંબોધી હતી અને દેખાવકારોને બિરદાવી કહ્યું હતું કે, પેલેસ્ટીની લોકો તેમના પવિત્ર સ્થળ માટે ઈઝરાયેલ સામે લડતા રહેશે. તેમણે રેલીમાં ઉપસ્થિત લોકોનો ટેકા બદલ આભાર વ્યકત કર્યો હતો.