ભારત-પાકિસ્તાન વચ્ચે હાલ પરિસ્થિતિ તંગ છે ત્યારે

બોટ સાથે પકડાયેલા ૯ લોકોને પૂછપરછ માટે પોરબંદર લવાયા

 

(સંવાદદાતા દ્વારા)

અમદાવાદ,તા.ર

ભારતે પીઓકેમાં સર્જીકલ સ્ટ્રાઈક સર્જયા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિ છે.  ત્યારે સરહદી વિસ્તારોમાં એલર્ટ વચ્ચે કોસ્ટગાર્ડના જહાજે અરબી સમુદ્રમાં ભારતીય જળસીમામાંથી એક પાકિસ્તાની બોટ સાથે નવ જેટલા લોકોને ઝડપી પાડયા છે. જેઓને પોરબંદર ખાતે લાવીને વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે. મળતી માહિતી મુજબ ભારત-પાકિસ્તાન વચ્ચે હાલ પરિસ્થિતિ તંગ છે ત્યારે સરહદી વિસ્તારોને એલર્ટ આપીને ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.  ત્યારે અરબી સમુદ્રમાં ભારતીય જળસીમામાંથી એક  પાકિસ્તાની બોટને કોસ્ટગાર્ડે ઝડપી પાડી છે. આ બોટમાં નવ જેટલા લોકો સવાર હતા. ત્યારે આ બોટના  સવારો ભારતીય જળસીમામાં કેમ આવ્યા ? શું તેઓ ભૂલથી ભારતીય જળસીમા આવ્યા છે ? કે પછી કોઈ હુમલાનું ષડયંત્ર ? કે પછી જાસૂસ છે ? જેવા અનેક પ્રશ્નો ઉભા થયા છે. ત્યારે આ બોટ અને જેમાં સવાર નવ લોકોને પોરબંદર લાવવામાં આવ્યા  છે. જેઓની સ્થાનિક પોલીસ અને ઈન્ટેલિજન્સ બ્યુરોએ પૂછપરછ હાથ ધરી છે.

અત્રે નોંધનીય છે કે ગુજરાતના સૌથી મોટા સરહદી જિલ્લા કચ્છમાં લશ્કરી અને અર્ધલશ્કરી દળો હાઈએલર્ટ પર મુકાયા છે.  બીજી બાજુ  દરિયા અને ક્રીક સીમા પરના કોટેશ્વર, ખાવડા, કુરન, કોટડા, ખડીરના ધોળાવીરા જેવા સીમા નજીકના છેવાડાના  ગામડાઓમાં પોલીસ, બી.એસ.એફ., કોસ્ટગાર્ડ સહિતની એજન્સીઓએ લોકોને સાવચેત અને જાગૃત રહેવા જણાવ્યું છે. તદઉપરાંત રાજયના  સૌરાષ્ટ્ર-કચ્છમાં ૧૬૦૦  કિલોમીટરનો વિશાળ દરિયા કિનારો છે.  ત્યારે અસંખ્ય નિર્જન ટાપુઓ અને આંતરિયાળ કિનારાઓ છે.  જયાં કોઈ આતંકી હુમલો ન થાય તે માટે  પોલીસ અને આર્મીને સતર્ક રહેવાના  આદેશ અપાયા છે.

જો કે સુરક્ષાની દૃષ્ટિએ સંવેદનશીલ ગણાતા  અમદાવાદ એરપોર્ટ અને રેલવે સ્ટેશન ઉપર  પણ સુરક્ષા વ્યવસ્થા વધારવાની સાથે તમામ  શંકાસ્પદ લોકો પર નજર  રાખી ડોગ સ્કવોડ તેમજ મેટલ ડિટેકટરની મદદથી તેમના સામાનની ચેકીંગ હાથ ધરવામાં આવી રહયું છે.  અમદાવાદ એરપોર્ટના ટર્મિનલની બહાર  અને પાર્કિંગ એરિયામાં પણ સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવાઈ છે. તેમજ અગાઉ આતંકી હુમલાનો ભોગ બનેલા અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન ઉપર પણ  આરપીએફ અને જીઆરપીને એલર્ટ રહેવા સૂચના  અપાઈ છે. તેમજ કોઈપણ  આકસ્મિક પરિસ્થિતિને પહોંચી વળવા માટે તંત્રને સાબદું રાખવામાં આવ્યું છે. આમ ભારત અને પાકિસ્તાન વચ્ચે હાલની તંગ પરિસ્થિતિને પગલે ગુજરાત રાજયના તમામ સરહદી  વિસ્તારોમાં સેનાના જવાનોને એલર્ટ રહેવાના આદેશ આપી દેવાયા છે.