(એજન્સી) નવી દિલ્હી, તા.૧૭
ભારતરત્ન અને ત્રણ વાર વડાપ્રધાન પદ સંભાળી ચૂકેલ અટલ બિહારી વાજપેયીના ગુરૂવારે સાંજે નિધન બાદ ૭ દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરવામાં આવી છે. પૂર્વ વડાપ્રધાનના નિધન બાદ સમગ્ર દેશમાં શોકનો માહોલ છે. પક્ષ-વિપક્ષના તમામ નેતાઓ આ અંગે દુઃખ વ્યક્ત કરી રહ્યા છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અલકા લાંબાએ ટ્‌વીટ કરી કહ્યું કે, ‘‘એક રાજાને તેનો રાજધર્મ સમજાવનારા અટલજી નથી રહ્યા. અટલજી અમર રહે.’’ ઉલ્લેખનીય છે કે, વાજપેયીએ ર૦૦રના ગુજરાત રમખાણો બાદ તાત્કાલિક ગુજરાત પહોંચી મુખ્યમંત્રી મોદીને ‘રાજધર્મ’નું પાલન કરવા સલાહ આપી હતી. આપ વિધાયકે ટ્‌વીટમાં આ વાતનો ઉલ્લેખ કર્યો છે. બીજી તરફ વાજપેયીના નિધન અંગે મુલાયમસિંહ યાદવે નિવેદન આપ્યું કે, દેશ માટે આ એક મોટું નુકસાન છે. તેઓ વરિષ્ઠ નેતા હોવા છતાં ઘણા જ સરળ વ્યક્તિ હતા. તેમનામાં બિલકુલ પણ અહંકાર ન હતો. આજના નેતાઓએ તેમનાથી ઘણું બધું શીખવાની જરૂર છે. વડાપ્રધાન મોદી, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, બસપા સુપ્રીમો માયાવતી સહિત અન્ય રાજકીય હસ્તીઓએ વાજપેયીના નિધન અંગે શોક વ્યક્ત કરી શ્રદ્ધાંજલિ અર્પી હતી.