નવી દિલ્હી,તા.૧૩
નાગરિકતા કાયદાને લઈ દેશભરમાં વિરોધનો જુવાળ ફાટી નીકળ્યો છે જ્યારે કોંગ્રેસ શાસિત સહિત કુલ સાત રાજ્યોએ આ કાયદાને લાગુ કરવાનો ઈન્કાર કર્યો છે. બીજી તરફ શુક્રવારે નાગરિકતા કાયદા વિરૂદ્ધ દેશભરમાં પ્રચંડ જનઆંદોલન ફાટી નીકળ્યું હતું. જેમાં પૂર્વોતરની આગ દિલ્હી અને ઉત્તર પ્રદેશ સહિત દક્ષિણના રાજ્ય કેરળ તથા તમિલનાડુમાં પણ ફાટી નીકળી છે. દેશભરમાં શુક્રવારે અનેક લોકોની અટકાયત કરવામાં આવી હતી. જ્યારે પોલીસે લાઠીચાર્જ તથા ટીયરગેસના શેલ છોડી લોકોના આક્રોશને કાબુમાં લેવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો.
દરમ્યાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની ભાજપ/એનડીએ સરકારે નાગરિકતા સુધારા ખરડાને સંસદમાં પાસ કરાવી દીધો છે અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ ગઈ કાલે રાતે એની પર હસ્તાક્ષર કરીને એને મંજૂરી આપી દેતાં આ ખરડો હવે કાયદો બની ગયો છે, પરંતુ પં.બંગાળ,મધ્ય પ્રદેશ,છત્તીસગઢ,કેરળ,પંજાબ,મહારાષ્ટ્ર જેવા રાજ્યોએ આ કાયદો લાગુ કરવાનો ઈનકાર કરી દીધો છે. પહેલાં બંગાળે ઈનકાર કર્યો હતો અને ત્યારબાદ પંજાબ અને કેરળ રાજ્યે કાયદો લાગુ કરવાની ના પાડી છે. બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ આ કાયદા સામે વિરોધ વ્યક્ત કર્યો છે અને તેને પોતાના રાજ્યમાં લાગુ ન કરવાની જાહેરાત કરી હતી. ત્યારબાદ પંજાબના મુખ્ય પ્રધાન કેપ્ટન અમરિન્દર સિંહે અને કેરળના પીનારાઈ વિજયને પણ પોતપોતાના રાજ્યમાં આ કાયદો લાગુ ન કરવાની જાહેરાત કરી છે. આ કાયદા અંતર્ગત પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશમાં ધાર્મિક અત્યાચારો સહન ન થતાં ભારતમાં આવી ગયેલા લાખો હિન્દુ, શીખ, પારસી, બૌદ્ધ, ખ્રિસ્તી જેવી લઘુમતી કોમોનાં નિરાશ્રીત લોકોને ભારતમાં નાગરિકતા આપવામાં આવશે. પરંતુ, બંગાળ, પંજાબ, કેરળની સરકારોએ આ કાયદાને ગેરબંધારણીય ગણાવ્યો છે. વિજયને કહ્યું કે આ કાયદો ભારતના બિનસાંપ્રદાયિક તથા લોકતાંત્રિક ચરિત્ર પર પ્રહાર સમાન છે. તાકાતના ઘમંડ દ્વારા આ ગેરબંધારણીય કાયદાને પાસ કરાવવામાં આવ્યો છે અને એની પાછળ કોઈ જઘન્ય રાજકીય ઉદ્દેશ્ય છે. તેથી કેરળ આ કાયદાને લાગુ નહીં કરે. અમારા રાજ્યમાં ધર્મના આધારે ભેદભાવ રાખવાની પરવાનગી આપવામાં નહીં આવે. વિરોધી પક્ષો આ કાયદાનો વિરોધ કરી રહ્યા છે. પંજાબના મુખ્ય પ્રધાન અમરિન્દર સિંહે કહ્યું છે કે પંજાબ વિધાનસભામાં કોંગ્રેસની બહુમતી છે અને અમે આ ગેરબંધારણીય ખરડાને લાગુ કરતો રોકીશું. આ કાયદો અત્યંત ભાગલાવાદી પ્રકૃતિનો છે. જે કોઈ પણ કાયદો દેશનાં લોકોને ધાર્મિક આધાર પર વિભાજીત કરતો હોય એ ગેરકાયદેસર અને અનૈતિક ર્છે

નાગરિકતા કાયદો મૂળભૂત રીતે ભેદભાવપૂર્ણ : સંયુક્ત રાષ્ટ્ર

(એજન્સી) તા.૧૩
સંયુક્ત રાષ્ટ્રના માનવાધિકાર કાર્યાલયે શુક્રવારે ભારતના નાગરિકતા સુધારા કાયદા વિરૂદ્ધ અવાજ ઊઠાવ્યો હતો અને કહ્યું હતું કે, આ બિલ ખાસ કરીને મુસ્લિમો વિરૂદ્ધ ભેદભાવ દર્શાવે છે. તેમને નાગરિકતા બિલમાં સામેલ કરાયા નથી જે ભેદભાવનું સ્પષ્ટ ઉદાહરણ છે. અમારી ભારત સરકારને અપીલ છે કે, તે આ બિલ અંગે ફરી પુનઃમૂલ્યાંકન કરે. દિલ્હીમાં પોલીસ અને યુનિવર્સિટીના હજારો વિદ્યાર્થીઓ વચ્ચે શુક્રવારે નાગરિકતા બિલ મામલે હિંસક અથડામણ થઈ હતી. આ મામલે સરકાર કહે છે કે, નાગરિકતા સુધારા બિલને બુધવારે સંસદ દ્વારા મંજૂરી આપવામાં આવી. તેનો અર્થ એમ છે કે, તે બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનથી આવેલા લઘુમતીઓને બચાવવા માગે છે. જો કે, સંયુક્ત રાષ્ટ્રના માનવાધિકાર પ્રવક્તા જેરેમી લ્યુરેન્સે જિનિવા ખાતે એક ન્યૂઝ બ્રીફિંગ દરમિયાન કહ્યું હતું કે, અમે ભારતના નવા નાગરિકતા સુધારા કાયદા-૨૦૧૯થી ચિંતિત છીએ. તે ભેદભાવ દર્શાવે છે. તેમણે કહ્યું કે, આ નવા કાયદામાં મુસ્લિમો સિવાયના અન્ય તમામ લઘુમતીઓને નાગરિકતા આપવાની જોગવાઈ કરવામાં આવી છે. જો કે, આ નાગરિકતા તેઓ ઉત્પીડનના આધારે આપી રહ્યા છે. તેનાથી તમામ માટે સમાન કાયદો એવી ભારતની કમિટમેન્ટને જૂઠ્ઠી સાબિત કરે છે. તેનાથી ભારતના બંધારણની છબી ખરડાશે. અમે સમજીએ છીએ કે, સુપ્રીમકોર્ટ દ્વારા નવા કાયદાનું પુનઃમૂલ્યાંકન કરવામાં આવશે અને આશા રાખીએ છીએ કે, આંતરરાષ્ટ્રીય માનવાધિકાર કાયદાને ધ્યાનમાં રાખીને આ બિલમાં સુધારા કરવામાં આવશે.

નાગરિકતા કાયદાનો વિરોધ બંગાળના મુર્શિદાબાદમાં રેલવે સ્ટેશનને આગ ચાંપી

નાગરિકતા સુધારા કાયદા સામે વિરોધ પ્રદર્શન કરી રહેલા હજારો લોકો દ્વારા પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં શુક્રવારે સાંજે બેલદંગા રેલવે સ્ટેશન પરિસરમાં આગ ચાંપવામાં આવી છે. દેખાવકારોએ રેલવે સ્ટેશન પરિસરમાં ઉપસ્થિત રહેલા રેલવે પોલીસ ફોર્સ (આરપીએફ)ના કર્મચારીઓને પણ માર માર્યા હતા. આરપીએફના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે વિરોધ પ્રદર્શન કરી રહેલા લોકો ઓચિંતા રેલવે સ્ટેશન પરિસરમાં ઘૂસી ગયા હતા અને પ્લેટફોર્મ, બે-ત્રણ ઇમારતો અને રેલવેની ઓફિસોને આગ ચાંપી હતી. ે દેખાવકારોને રોકવાનો પ્રયાસ કરનારા આરપીએફના કર્મચારીઓને દેખાવકારો દ્વારા ક્રૂર રીતે માર મારવામાં આવ્યો હતો. દેખાવકારો દ્વારા હાવડા જિલ્લામાં આવેલા ઉલુબેરિયા રેલવે સ્ટેશન ખાતે રેલવેના પાટા પણ બ્લોક કરી દીધા હતા. દેખાવકારોએ રેલવે સ્ટેશન પરિસરમાં અને કેટલીક ટ્રેનોમાં પણ તોડફોડ કરી હતી. ટ્રેનનો એક ડ્રાઇવર પણ ઘવાયો હોવાનું જણાવવામાં આવ્યું છે.

વિરોધ વચ્ચે અમિત શાહે શિલોંગ પ્રવાસ રદ્દ કર્યો

આસામ સહિત પૂર્વોતરના રાજ્યોમાં નાગરિકતા કાયદાના વિરોધમાં ૫ દિવસથી ઉગ્ર દેખાવો ચાલુ છે. વિરોધ બંગાળમાં પણ શરૂ થયો છે. અહીં હજારો મુસ્લિમોએ કાયદાના વિરોધમાં શુક્રવારે રેલી કાઢી હતી. આસામ સહિત પૂર્વોતરના રાજ્યોમાં ચાલી રહેલા ઉગ્ર વિરોધની અસર મોટા આયોજન પર પણ પડી રહી છે. જાપાનના પીએમ શિંજો આબે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ૧૫-૧૬ ડિસેમ્બરના રોજ ગુવાહાટીમાં થનાર મુલાકાત ટાળવામાં આવી છે. ગૃહ મંત્રી અમિત શાહનો શિલોન્ગનો પ્રવાસ પણ રદ કરવામાં આવ્યો છે. તે રવિવારે એક કાર્યક્રમમાં હાજરી આપવા અહીં આવવાના હતા.

રાજ્યો પાસે સિટિઝનશીપ એક્ટને રોકવાની સત્તા નથી : સરકારી સૂત્રો

નાગરિકતા સુધારણા રાષ્ટ્રપતિની મંજૂરી પછી કાયદામાં નિર્માણ પામ્યુ છે. બીજી તરફ કેન્દ્ર સરકારના ઉચ્ચ અધિકારીએ શુક્રવારે જણાવ્યું કે રાજ્ય સરકારોને નાગિરકતા સુધારણા કાયદોના લાગુ કરવાની ઇનકાર કરવાનો કોઇ અધિકાર નથી, કારણ કે આ કાયદો સંવિધાન હેઠળ ઘડવામાં આવ્યો છે.

નાગરિકતા કાયદાના હિંસક વિરોધને પગલે જાપાનના PMએ મોદી સાથેની ગુવાહાટી બેઠક રદ કરી

નાગરિકતા સુધારણા બિલ (કેબ)ની વિરદ્ધ થઈ રહેલા વિરોધ-પ્રદર્શનની વચ્ચે જાપાનના વડાપ્રધાન શિંજો આબેએ તેમનો ભારત પ્રવાસ રદ કરી દીધો હોવાનું જણાયું છે.
સૂત્રોના જણાવ્યા મુજબ, શિંજો આબે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે આસામના ગુવાહાતિમાં એક સમિટ યોજાવવાની હતી જો કે કેબના વિરોધમાં થઈ રહેલા હિંસક પ્રદર્શનોને ધ્યાનમાં રાખીને શિંજો આબે તેમનો પ્રવાસ રદ કરી દીધો છે. નાગરિકતા સુધારણા બિલના વિરોધમાં પૂર્વોત્તર સહિત સમગ્ર આસામમાં વિરોધ-પ્રદર્શન થઇ રહ્યા છે. બુધવારે આર્મીએ ફ્લેગ માર્ચ કરીને રસ્તાઓ પર કરફ્યૂ લાદી દીધો હતો. વિરોધમાં ઉતરેલા લોકો પર પોલીસે ગોળીબાર કરતા બે લોકોના મોત થયા હતા. આસામમાં ટ્રેનોની સાથે-સાથે અનેક ફ્લાઈટો પણ રદ કરવામાં આવી છે. પ્રદર્શનકારીઓએ દિબ્રુગઢ સ્થિત મુખ્યમંત્રી સર્વાનંદ સોનાવાલાના ઘર પર પથ્થરમારો કર્યો હતો. મેઘાલયમાં પણ સ્થિતિ તણાવપૂર્ણ છે. શિલોન્ગમાં અનિશ્ચિતકાળ સુધી કરફયૂ લાદી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત ૪૮ ક્લાક સુધી ઈન્ટરનેટ અને એસએમસ સેવા પર પણ રોક લગાવવામાં આવી છે.