(એજન્સી) અલ્હાબાદ,તા.૭
ઉત્તરપ્રદેશના અલ્હાબાદમાં એક જ પરિવારના ચાર લોકોની હત્યાનો કેસ સામે આવ્યો છે. ઘટના સોરાંવ પોલીસ સ્ટેશન ક્ષેત્રના બિગહિયા જિલ્લાની છે. જ્યાં એક જ પરિવારના ચાર લોકોની ધારદાર હથિયારથી હત્યા કરવામાં આવી છે. પરિવારના તમામ સભ્યોની હત્યાના કારણે સમગ્ર જિલ્લામાં દહેશતનો માહોલ ફેલાયેલો છે. હત્યાની જાણ થતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહોનું પંચનામું કરી પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે. પોલીસે હત્યાની તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
પરિવારમાં જેમની હત્યા કરવામાં આવી છે તેમાં વૃદ્ધ મહિલા, તેમની દીકરી, જમાઇ અને પૌત્રનો સમાવેશ થાય છે. પોલીસ આસપાસના લોકોની પૂછપરછ કરી રહી છે. આ મામલે પોલીસે જણાવ્યું કે ૬ સપ્ટેમ્બરના રોજ મોડી રાત્રે પોલીસ દ્વારા આ વિસ્તારમાં પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું, પરંતુ ત્યારે આવી કોઇ ઘટના ઘટી હોવાનું જાણવા મળ્યું ન હતું. તેથી આશંકા સેવાઇ રહી છે કે રાત્રિના ૨ વાગ્યાથી લઇને સવારે ૪ વાગ્યાની વચ્ચે ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે. તપાસ માટે ફોરેન્સિક લેબની ટીમને પણ બોલાવવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આ અગાઉ કેટલાક દિવસો પહેલા આ વિસ્તારમાં બે મહિલાઓની પણ હત્યા કરવામાં આવી હતી, જેના હથિયારો પોલીસને હાથ લાગ્યા નથી. તો બીજી તરફ મંગળવારે (૪ સપ્ટેમ્બર)ના રોજ અલ્હાબાદમાં હિસ્ટ્રીશીટરે પોતાના દીકરા સાથે મળી એક નિવૃત્ત પોલીસ કર્મચારીને લાકડી મારી બેરહેમથી હત્યા કરી હતી. નિવૃત્ત પોલીસ કર્મચારીના હત્યાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહ્યો છે. જોકે આ કેસમાં પોલીસે ૫ લોકોની ધરપકડ કરી છે.