ગણપત યુનિ.નો ૧૦મો પદવીદાન સમારોહ યોજાયો

(સંવાદદાતા દ્વારા)    અમદાવાદ, તા.૪

વિશ્વ વિદ્યાલયો-શાળા-કોલેજોમાં જે શિક્ષણ મળે છે તેની સાથે રાષ્ટ્ર સેવાભાવ, સમાજ પ્રત્યેનું ઋણ ચૂકવવાના ગુણો તો દીક્ષાથી જ મળે છે. વિદ્યાર્થી શિક્ષિત બનેલા યુવાઓ સેવાદાયિત્વ, પ્રમાણિકતાના મૂળભૂત ગુણોથી દીક્ષિત બને તે સમયની માંગ છે. તેમ ગણપત યુનિવર્સિટીમાં પદવીદાન સમારોહમાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું. મુખ્યમંત્રીએ ગણપત યુનિવર્સિટીના ૧૦મા પદવીદાન સમારોહમાં ર હજાર ઉપરાંત યુવા છાત્રોને પદવી અર્પણ તથા શ્રેષ્ઠ વિદ્યાર્થીઓને મેડલ્સ પ્રદાન કર્યા બાદ દિક્ષાંત પ્રવચનમાં પ્રેરણા આપતાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર સ્ટાર્ટઅપ પોલિસીથી આવા યુવાઓના નવોન્મેષી વિચારો, નવિનતમ પહેલને સપનાને વાસ્તવિકરૂપ આપવા તૈયાર છે. તેમણે આ યુનિવર્સિટીના યુવા વિદ્યાર્થીઓને સ્ટાર્ટઅપ, સ્ટેન્ડ અપ, મેઈક ઈન ઈન્ડિયા જેવા મહત્ત્વપૂર્ણ અભિયાનોનો વ્યાપક લાભ લઈ ઈન્કયુબેટર્સ, સેન્ટર એકસલન્સ થકી માનવજાતના કલ્યાણ માટે સમાજદાયિત્વ માટે પ્રેરણા આપી હતી. તેમણે યુવાઓને આ શિક્ષા-પદવીથી જોબ તો મળવાની જ છે તેવો વિશ્વાસ વ્યકત કરતાં ઉમેર્યું કે આપણે એવા યુવાનો તૈયાર કરવા છે જે જોબ ગીવર પણ બને અને વસૂધાના કલ્યાણમાં રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપે. પ્રારંભમાં ગણપત યુનિવર્સિટીના પેટ્રન ઈન ચીફ ગણપતભાઈ પટેલે સૌને સ્વાગત પ્રવચનથી આવકાર્યા હતા. યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ અનિલભાઈ પટેલે ડિગ્રી ધારકોને મુખ્યમંત્રી સમક્ષ રજૂ કર્યા હતા. જ્યારે વોકહાર્ટના એક્ઝિક્યુટીવ ડિરેકટર હુઝાફિયા ખોરાકીવાલા તથા આઈબીએન ઈન્ડિયાના પબ્લિક-કોમ્યુનિકેશન સેકટરના એક્ઝિક્યુટીવ ડિરેકટર લતા સિંઘે પ્રાસંગિક સંબોધનોમાં યુવાઓને પ્રેરણા આપી હતી.