(એજન્સી) તા.૧૮
સીબીઆઈ વડાના પદ પરથી દૂર કરવામાં આવેલા આલોક વર્મા ૧૪ ફેબ્રુઆરી, ર૦૧૯ના રોજ દિલ્હીની શ્રીરામ કોલેજ ઓફ કોમર્સ (SRCC)ના છાત્રસંઘ દ્વારા આયોજિત બિઝનેસ કોન્કલેવમાં મુખ્ય વક્તા હશે. આ એ જ કાર્યક્રમ છે જ્યાંથી વડાપ્રધાન મોદીએ ર૦૧૪ની ચૂંટણી માટે પ્રચાર અભિયાનની શરૂઆત કરી હતી. ગયા અઠવાડિયામાં સુપ્રીમ કોર્ટ દ્વારા સીબીઆઈ વડા તરીકે પુનઃનિયુક્ત કરવામાં આવ્યા પછી આયોજકોએ વર્માને આમંત્રણ મોકલ્યું હતું. વર્મા ઉપરાંત કેન્દ્રીય મંત્રીઓ સ્મૃતિ ઈરાની અને સુરેશ પ્રભુ તેમજ દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા આ કાર્યક્રમમાં ભાગ લેશે. એસઆરસીસી છાત્ર સંઘનો આ કાર્યક્રમ ૧૪-૧૬ ફેબ્રુઆરી દરમિયાન યોજાશે. ભૂતકાળમાં દલાઈલામા, મુકેશ અંબાણી, પી.ચિદમ્બરમ, પ્રણવ મુખર્જી અને સ્વર્ગીય એ.પી.જે. અબ્દુલ કલામ આ કાર્યક્રમમાં સંબોધન કરી ચૂક્યા છે. ગયા વર્ષે જાણીતા ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ સંબોધન કરી આ કાર્યક્રમનું સમાપન કર્યું હતું.