(એજન્સી) નવી દિલ્હી, તા. ૮
સુપ્રીમ કોર્ટે આજે મોદી સરકારને જોરદાર આંચકો આપતા તાત્કાલિક અસરથી સીબીઆઇ ડિરેક્ટર આલોક વર્માને તેમના પદ પર નિયુક્તિ આપી છે અને તપાસ એજન્સીના પ્રમુખ તરીકેની સત્તાઓને રદ કરવાના કેન્દ્ર સરકારના આદેશને બાજુએ મુકી દીધો છે. સીબીઆઈના ડાયરેક્ટર આલોક વર્માની અરજી પર સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને ઝટકો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે આ અંગે સુનાવણી કરતા સીવીસીના ઓક્ટોબર ૨૩ આદેશને રદ કરી દીધો છે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, સીવીસીને આ અંગે આદેશ આપવાનો કોઇ અધિકાર નથી. આલોક વર્માને કેન્દ્ર સરકાર દ્વારા રજા પર ઉતારવાના નિર્ણયને સુપ્રીમ કોર્ટ દ્વારા રદ કરવામાં આવ્યું છે અને તેમને પોતાના પદ પર ફરીથી પુનઃસ્થાપિત કરી દેવામાં આવશે.
સીબીઆઇના ડાયરેક્ટર આલોક વર્મા અને એડિશનલ ડાયરેક્ટર રાકેશ અસ્થાના સાથેના વિવાદને કારણે તેમના પદ પરથી હટાવવા અંગે અને તેમને રજા પર મોકલી દેવા અંગે અરજી દાખલ કરી હતી. અસ્થાના અને વર્માની વચ્ચે ભ્રષ્ટાચાર આરોપ પ્રત્યારોપ બાદ મોદી સરકાર દ્વારા બન્નેને અધિકારીઓને રજા પર મોકલી દેવામાં આવ્યા હતા જેના વિરોધમાં આલોક વર્મા દ્વારા સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે સીનિયર આઈપીએસ ઓફિસર એમ નાગેશ્વર રાવને સીબીઆઈના કાર્યકારી ડિરેક્ટર બનાવવાનો કેન્દ્ર સરકારનો નિર્ણય રદ કરી દીધો છે.
સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે કે, હાઇપાવર કમિટિ એક સપ્તાહમાં મિટિંગ કરે અને આલોક વર્મા સામેના ભ્રષ્ટાચારને કેસમાં સીવીસીની તપાસ અંગે વહેલી તકે નિર્ણય લે. આ કમિટિમાં વડા પ્રધાન, વિપક્ષી નેતા અને ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા હોય છે અને જ્યાં સુધી હાઇ પાવર કમિટિ કોઇ નિર્ણય નથી લેતી ત્યાં સુધી આલોક વર્મા કોઇપણ મહત્વના નીતિગત નિર્ણય લઇ શકશે નહી. સુપ્રીમ કોર્ટે આલોક વર્માને ફરીથી પોતાના પદ પર પાછા ફરવા અંગે લીલી ઝંડી આપી દીધી છે અને કેન્દ્રને આ અંગે મોટો આંચકો લાગ્યો છે.
કેસની સુનાવણી દરમિયાન કોર્ટે કેન્દ્ર સરકારને પૂછ્યું હતું કે, બે ઉચ્ચ અધિકારીઓના ઝઘડો રાતોરાત સામે આવ્યો નહતો. આવું જુલાઇ માસથી ચાલી રહ્યું હતું. તેમને તેમના પદ પરથી બરખાસ્ત કરતા પહેલા પસંદગીની સમિતિ સાથે વાત કરવામાં શું મુશ્કેલી પડતી હતી. ૨૩ ઓક્ટોબરે અચાનક આ નિર્ણય કેમ લેવામાં આવ્યો ?
જસ્ટિસ સંજ્ય કિશન કૌલે સીવીસીના સોલિસિટર જનરલ તુષાર મહેતાને પૂછ્યું હતું કે, જો અમે એવું માની લઇએ કે, તે સમયે પરિસ્થિતિઓ પ્રમાણે સરકારની કાર્યવાહી જરૂરી હતી તો પછી પસંદગીની સમિતિ સાથે સંપર્ક કેમ ન કરવામાં આવ્યો? ત્યારે તુષાર મહેતાએ જણાવ્યું હતું કે, કાયદાકીય રીતે આની કોઇ જરૂરત નથી. તેમણે જણાવ્યું હતું કે, તે સમયે કરવામાં આવેલી તપાસ અને પરિસ્થિતિને ધ્યાનમાં લઇને અમે આ નિષ્કર્ષ પર પહોંચ્યા હતા કે ખૂબ જ ગંભીર સ્થિતિ આવી ગઇ છે અને આલોક વર્માને તેમના પદ પર વધુ સમય માટે રાખી શકાય તેમ નથી. એટલા માટે જ અમે તેમને રજા પર મોકલી દીધા હતા. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આ અંગે ટ્‌વીટ કરતા લખ્યું હતું કે, સુપ્રીમ કોર્ટનો નિર્ણય વડાપ્રધાન મોદી પર કલંક સમાન છે. તેઓ દેશની તમામ સંસ્થાઓનો નાશ કરી રહ્યા છે તેમણે જણાવ્યું હતું કે, રાફેલ પર તપાસ ટાળવા માટે, જેમાં મોદી સીધી રીતે ફસાતા હતા તેમણે સીબીઆઇના ડાયરેક્ટરને રાતોરાત તેમના પદ પરથી બરખાસ્ત કરી દીધા હતા.