(એજન્સી) મુંબઈ, તા.૧૦
બોલિવૂડ અને ટીવી જગતની પ્રખ્યાત અભિનેત્રી અને નિર્માતા વિન્તા નંદા દ્વારા કહેવાતા સંસ્કારી બાબુ આલોકનાથ સામે બળાત્કાર ગુજારવા અને તેમની સાથે ક્રૂર વ્યવહાર કરવાના આરોપો મુકવામાં આવ્યા બાદ આલોકનાથની સહ-અભિનેત્રી સંધ્યા મૃદુલાએ આલોક સામે જાતીય સતામણીના ગંભીર આરોપ મુક્યા છે. એક પછી એક અભિનેત્રીઓ દ્વારા જાતીય સતામણીના આરોપો મુકવામાં આવી રહ્યા હોવાથી આલોકનાથની મુશ્કેલીઓ ઓછી થવાની કોઇ શક્યતા જણાતી નથી. પોતાના ટિ્‌વટર પેજ પર સંધ્યાએ આલોકનાથ દ્વારા તેની કેવી રીતે જાતીય સતામણી કરવામાં આવી હતી, તેનું વર્ણન કર્યું છે. સંધ્યાએ ફોટોલાઇન સાથે ઘણા સ્ક્રીનશોટ ટિ્‌વટર પેજ પર મુક્યા છે. ફોટો લાઇનમાં સંધ્યાએ લખ્યું છે કે સત્ય અને એકતામાં વિન્તા નંદા હું તમારી સાથે છું. સંધ્યાએ પોસ્ટમાં લખ્યું છે કે મારા કેરિયરની શરૂઆતમાં કોડઇકનાલમાં હું ઝી માટે એક ટેલિફિલ્મનું શૂટિંગ કરી રહી હતી. ટેલિફિલ્મમાં આલોકનાથ મારા પિતા અને રીમા લાગુ મારી માતાની ભૂમિકામાં હતા. આલોક મારા કામની જાહેરમાં બહુ પ્રશંસા કરતા હતા અને હું આ બાબુજીની ફેન થઇ ગઇ હતી પરંતુ ધીમે-ધીમે આલોકનું અસલ અને ક્રૂર સ્વરૂપ તેની સામે આવી ગયું. એક દિવસે શૂટિંગ વહેલા પુરૂં થયા બાદ આખી ટીમ ડિનર માટે બહાર ગઇ ત્યારે આલોકે જરૂર કરતા વધુ દારૂ ઢીંચી લીધો અને નશામાં ધૂત આલોક મારી નજીક બેસવાની જીદ કરવા લાગ્યો. સંધ્યા ડિનર કર્યા વગર પોતાની હોટલ પરત આવી ગઇ. ત્યાર પછી આલોકનાથ બળજબરીથી હોટલમાં તેના રૂમમાં ઘૂસી ગયો અને તેની પાછળ પડી ગયો હતો. આલોકનાથે એ રાત્રે તેના પર બળાત્કાર કરવાનો પણ પ્રયાસ કર્યો હતો. જોકે, તે વખતે સંધ્યાએ ગમે તેમ કરીને તેને પોતાના રૂમમાંથી બહાર કાઢ્યો. ભારે આઘાતજનક વાત તો એ છે કે જે રાત્રે આલોકે તેના પર રેપ કરવાનો પ્રયાસ કર્યો હતો તેના બીજા દિવસે આલોકના ખોળામાં બેસીને રડવાનું શૂટિંગ કરવાની તેને ફરજ પાડવામાં આવી હતી. ત્યાર પછી જ્યાં સુધી શૂટિંગ ચાલુ રહ્યું, દરરોજ આલોક નશામાં ધૂત થઇને તેને ફોન કરીને કે તેના રૂમનું બારણું ખટખટાવીને તેને હેરાન કરતો હતો. જોકે અંતે આલોકનાથે તેની આ દુષ્ટ હરકતો માટે રડીને તેની પાસે માફી પણ માગી હતી.

આલોકનાથ મારી સામે વસ્ત્રો ઉતારવા લાગ્યો
હતો : હમ સાથ સાથે હૈંની ક્રૂ સભ્ય

(એજન્સી) મુંબઇ, તા. ૧૦
ફિલ્મો અને ટીવી શ્રેણીઓમાં સંસ્કારી બાબુજીની છબી ધરાવતા આલોકનાથ ખરેખર અને વાસ્તવિક જીવનમાં અસંસ્કારી હોવાના પુરાવા મળી રહ્યા છે. એક પછી એક અભિનેત્રીઓ આલોકનાથ સામે જાતીય સતામણીના આરોપો મુકી રહી છે હવે બોલિવૂડ ફિલ્મ ‘હમ સાથ સાથે હૈં’ની એક મહિલા ક્રૂ સભ્યે એવો દાવો કર્યો છે કે ફિલ્મના છેલ્લા શિડ્યુલ દરમિયાન આલોકનાથ મારી સામે વસ્ત્રો ઉતારવા લાગ્યો હતો. પોતાનું નામ જાહેર નહીં કરવા માગતી મહિલાએ એક અગ્રણી દૈનિકને આપેલા ઇન્ટરવ્યૂમાં મુંબઇમાં ફિલ્મના છેલ્લા શિડ્યુલ દરમિયાન પોતાના ભયભીત કરનાર અનુભવનું વર્ણન કરતા જણાવ્યું કે અમે એક નાઇટ સી માટે શૂટિંગ કરી રહ્યા હતા અને આલોકનાથે કોસ્ચ્યુમ બદલવાનું હતું. મેં આલોકનાથને વસ્ત્રો આપ્યા તો તેમણે મારી સામે જ વસ્ત્રો ઉતારવાનું શરૂ કરી દીધું હતું. આ જોઇને હું આઘાત પામી હતી અને શક્ય એટલા વહેલી તકે રૂમમાંથી બહાર જવાનો મેં પ્રયાસ કર્યો હતો. હું જ્યારે રૂમમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરી રહી હતી ત્યારે આલોકનાથે મારો હાથ પકડી લીધો હતો અને મને ધક્કા માર્યા હતા. અંતે મહિલાએ આલોકને ધક્કો મારીને પોતાનો હાથ છોડાવ્યો હતો અને ત્યાંથી જતી રહી હતી. મહિલા આલોકનાથની આ હરકતથી ભારે ભયભીત હતી પરંતુ તેમણે આ ઘટનાની ફિલ્મના ડિરેક્ટર અને પ્રોડ્યુસર સુરજ બડજાતિયા સહિત કોઇને ફરિયાદ કરી ન હતી. આલોક સામે બોલવાની પણ મારામાં હિંમત ન હતી.